India

રસ્તાના ખાડાના કારણે મહિલા ‘જીવિત’ થઈ ગઈ, એમ્બ્યુલન્સમાં લઈ જવાતી 'બ્રેઈન ડેડ' મહિલાના શ્વાસ ચાલુ થઈ ગયા

By GS TEAM
11 Mar 20262 mins read
TukuTouch Logo
આપણને રસ્તા પરના ખાડા ખૂબ જ પરેશાન કરે છે. તેના કારણે કમરદર્દની મુશ્કેલી પણ સર્જાય છે, પરંતુ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રસ્તા પરના ખાડાના કારણે એક મહિલાને નવજીવન મળ્યું છે. વાત એમ છે કે, એક બ્રેઈન ડેડ મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ જવાતી હતી, ત્યારે રસ્તા પરના ખાડાના કારણે આંચકો લાગતા તે મહિલા રીતસરની ‘જીવિત’ થઈ ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રસ્તાના ખાડાના કારણે મહિલા ‘જીવિત’ થઈ ગઈ, એમ્બ્યુલન્સમાં લઈ જવાતી 'બ્રેઈન ડેડ' મહિલાના શ્વાસ ચાલુ થઈ ગયા

Pilibhit Brain Dead Woman Ambulance: આપણને રસ્તા પરના ખાડા ખૂબ જ પરેશાન કરે છે. તેના કારણે કમરદર્દની મુશ્કેલી પણ સર્જાય છે, પરંતુ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રસ્તા પરના ખાડાના કારણે એક મહિલાને નવજીવન મળ્યું છે. વાત એમ છે કે, એક બ્રેઈન ડેડ મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ જવાતી હતી, ત્યારે રસ્તા પરના ખાડાના કારણે આંચકો લાગતા તે મહિલા રીતસરની ‘જીવિત’ થઈ ગઈ હતી. 

હોસ્પિટલે જાહેર કર્યા હતા 'બ્રેઈન ડેડ'

પીલીભીત જ્યુડિશિયલ કોર્ટમાં કાર્યરત 50 વર્ષીય વિનિતા શુક્લા 22 ફેબ્રુઆરીએ અચાનક ચક્કર આવતા પડી ગયાં હતાં. બ્લડ પ્રેશર વધવાને કારણે તેમણે દવા લીધી હતી, પરંતુ થોડી જ વારમાં તેઓ બેભાન થઈ ગયા. પરિવારે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા, જ્યાંથી તેમને બરેલી રેફર કરાયાં. બરેલીની હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ તબીબોએ જવાબ આપી દીધો કે હવે બચવાની કોઈ આશા નથી અને તેમને ઘરે લઈ જઈ અંતિમ સંસ્કારની તૈયારી કરવી જોઈએ. 

ખાડાનો ઝટકો અને શ્વાસની વાપસી

24 ફેબ્રુઆરીના રોજ પરિવાર વિનિતા શુકલાને એમ્બ્યુલન્સમાં બરેલી-હરિદ્વાર નેશનલ હાઈવે (NH74) પરથી ઘરે લાવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં કામ ચાલતું હોવાથી એક મોટો ખાડો આવ્યો અને એમ્બ્યુલન્સનું ટાયર તેમાં પડતા જોરદાર ઝટકો લાગ્યો. આ આંચકા સાથે જ તેમના શરીરમાં હલનચલન શરૂ થયું અને તેઓ શ્વાસ લેવા લાગ્યા. આ ચમત્કાર જોતા જ પરિવાર એમ્બ્યુલન્સમાં જ તેમને પીલીભીતના ન્યુરો સર્જન ડો. રાકેશ સિંહ પાસે લઈ ગયો. 

શું હતી તબીબી સ્થિતિ?

ન્યુરો સર્જન ડૉ. રાકેશ સિંહના જણાવ્યાનુસાર, દર્દીને અહીં લવાયા, ત્યારે તેમની સ્થિતિ ગંભીર હતી. તેમનો 'ગ્લાસગો કોમા સ્કેલ' (GCS) સ્કોર માત્ર 3 હતો (જે સામાન્ય રીતે 15 હોવો જોઈએ). તેમની આંખની કીકી ફેલાઈ ગઈ હતી અને પ્રકાશ સામે કોઈ પ્રતિક્રિયા આપતી નહોતી. તપાસમાં જાણવા મળ્યું કે લોહીમાં 'ન્યુરોટોક્સિન' એટલે કે એવું ઝેર હતું જેણે ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ) પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: હથોડો લઈને રોડ ખોદી કાઢ્યો, ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી

તબીબી સારવારના કારણે બચી ગયાં 

આ દરમિયાન ડૉ. રાકેશ સિંહે તેમની સારવાર શરૂ કરી. લગભગ 10 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ વિનિતા શુકલા હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને ઘરે પરત ફર્યા છે. વિનિતા શુક્લાએ જણાવ્યું કે, ‘મારી જીવવાની કોઈ આશા ન હતી, ડૉક્ટરોએ પણ ના પાડી દીધી હતી, પરંતુ ખાડો મારા માટે વરસાન સાબિત થયો.’ 

નોંધનીય છે કે, સામાન્ય રીતે રસ્તાના ખાડા જીવ લેતા હોય છે, પણ આ કિસ્સામાં ખાડાએ એક પરિવારને ખુશીઓ આપી છે.