ફેસબૂક પર વધારે પડતી સક્રિયતાથી બ્રહ્મોસ પ્રોજેક્ટનો વૈજ્ઞાનિક પાકિસ્તાની જાસૂસોનો ટાર્ગેટ બન્યો
નવી દિલ્હી, તા. 10. ઓક્ટોબર 2018 બુધવાર
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર પકડાયેલા બ્રહ્મોસ પ્રોજેક્ટના યુવા વૈજ્ઞાનિક નિશાંત અગ્રવાલ ફેસબૂક પર પણ બહુ એક્ટિવ હતો.
જોકે પાકિસ્તાનના જાસૂસ તરીકે તેનુ નામ ઉછળ્યા બાદ હવે નિશાંતને જ નહી તેની પત્નીએ પણ તેનુ ફેસબૂક એકાઉન્ટ બંધ કરવુ પડ્યુ છે.સોશ્યલ મીડિયા યુઝર્સે નિશાંતની સાથે તેની પત્નીને પણ દેશના ગદ્દાર અને અન્ય કોમેન્ટ મોકલી હતી.
લોકોમાં દેશ સાથે ગદ્દારી કરનારા આ સાયન્ટીસ્ટ પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.લોકોએ તો તેની પત્નીને છુટાછેડા લેવાની પણ સલાહ આપી દીધી છે.
જોકે આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાનના સમર્થનવાળા કેટલાક ફેસબૂક એકાઉન્ટ પરથી નિશાંતને નિર્દોષ ગણાવવાની પણ એક ઝૂંબેશ શરુ કરવામાં આવી છે.
પોલીસનુ કહેવુ છે કે ધરપકડ કરાયેલો નિશાંત ફેસબૂક પર નેહા શર્મા અને પૂજાના નામથી ચાલતા બે બોગસ એકાઉન્ટ થકી પાકિસ્તાની જાસૂસોના સંપર્કમાં હતો.
અધિકારીઓનુ કહેવુ છે કે અત્યંત સંવેદનશીલ પ્રોજેક્ટ સાથે જોડાયેલો હોવા છતા નિશાંત અગ્રવાલ સોશ્યલ મીડિયા પર ઘણો એક્ટિવ રહેતો હતો અને ફેસબૂક પર ડિફેન્સ પ્રોગ્રામને લગતા ઘણા ફોટા પણ મુક્યા હતા.જેના કારણે તે પાકિસ્તાની જાસૂસી સંસ્થાની નજરમાં આવી ગયો હતો.
એ પછી આઈએસઆઈ માટે તેને ફસાવવાનુ આસાન થઈ ગયુ હતુ.