Get The App

સીડીએસ બિપિન રાવત, તાઈવાનના જનરલના મોતમાં સમાનતા : ચેલાની

સીડીએસ રાવતના મોત અંગે નિષ્ણાતે શંકા વ્યક્ત કરી

ચીન સામે આક્રમક સીડીએસ રાવત, તાઈવાનના જનરલના હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયા

Updated: Dec 9th, 2021

GS TEAM

Google News
Google News
સીડીએસ બિપિન રાવત, તાઈવાનના જનરલના મોતમાં સમાનતા : ચેલાની 1 - image


નવી દિલ્હી, તા. ૯
ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું તામિલનાડુના કૂન્નૂરમાં બુધવારે હેલિકોપ્ટર તૂટી પડતાં મોત થયું હતું. આ અકસ્માતનું કારણ જાણવા મંથન શરૂ થઈ ગયું છે. એવામાં સુરક્ષા નિષ્ણાત બ્રહ્મ ચેલાનીએ રાવતના અકસ્માતમાં ચીનનો હાથ હોવાની શંકા કરતા ગ્લોબલ ટાઈમ્સ લાલઘૂમ થઈ ગયું છે.
આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને હથિયાર નિયંત્રણ મુદ્દાઓના નિષ્ણાત, ભૂ-રણનીતિકાર અને લેખક બ્રહ્મ ચેલાનીએ હેલિકોપ્ટર અકસ્માતમાં રાવતના મોતના સમાચાર પછી કરેલી કેટલીક ટ્વીટ ચર્ચાસ્પદ બની ગઈ છે અને ચીની મીડિયા ગ્લોબલ ટાઈમ્સે પણ તેમની ટ્વીટની નોંધ લઈને આકરી પ્રતિક્રિયા આપી હતી. પ્રોફેસર ચેલાનીએ સીડીએસ રાવતના હેલિકોપ્ટર અકસ્માત અને તાઈવાનના જનરલ પ્રમુખના હેલિકોપ્ટર અકસ્માતમાં મોતની સરખામણી કરી હતી. તેમણે કહ્યું કે બંને દેશના સૈન્ય વડાઓ ચીન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવવા માટે જાણિતા હતા.
પ્રો. ચેલાનીએ કરેલી શ્રેણીબદ્ધ ટ્વીટમાંથી એકમાં લખ્યું કે જનરલ રાવતનું મોત અને તાઈવાનના જનરલ સ્ટાફના પ્રમુખના મોત વચ્ચે કેટલીક ડરામણી સમાનતા છે. વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં તાઈવાનના જનરલ સ્ટાફના પ્રમુખ જનરલ શૈન યી-મિંગનું પણ હેલિકોપ્ટર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ બંને હેલિકોપ્ટર ક્રેશમાં બંને દેશની એવી વિશેષ પ્રતિભાઓનાં મોત થયા, જે ચીનની આક્રમક્તા વિરુદ્ધ ઘણા જ મહત્વપૂર્ણ ચહેરા હતા. ત્યાર પછી ટ્વીટ કરતાં તેમણે લખ્યું આ અજીબ સમાનતાઓનો એ અર્થ નથી કે બંને હેલિકોપ્ટર દુર્ઘટનાઓમાં કોઈ કનેક્શન છે અથવા કોઈ બહારની તાકતનો હાથ છે. કંઈ પણ હોય, પ્રત્યેક દુર્ઘટનાએ દેશની અંદર વિશેષરૂપે ટોચના જનરલોને લઈ જતા સૈન્ય હેલિકોપ્ટરોના મેઈન્ટેનન્સ અંગે મહત્વપૂર્ણ પ્રશ્ન ઊઠાવ્યા છે.
દરમિયાન બ્રહ્મ ચેલાનીની ટ્વીટમાં ચીનનું નામ આવતાં તેના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ ધૂંઆપૂઆં થઈ ગયું અને તેણે રાવતની મોત પાછળ અમેરિકાના હાથ હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી. ચેલાનીની ટ્વીટને રીટ્વીટ કરતાં ચીને કટાક્ષમાં લખ્યું કે આ દૃષ્ટિએ તો આ અકસ્માતમાં અમેરિકાની પણ ભૂમિકા હોઈ શકે છે, કારણ કે ભારત અને રશિયા, એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સાથે આગળ વધી રહ્યું છે અને અમેરિકાએ આ સોદાનો આકરો વિરોધ કર્યો છે.

Tags :