સોશિયલ મીડિયા સાઈટ્સ પર 'બોયકોટ ઓયો' ટ્રેન્ડ થયું
- રિતેશ અગ્રવાલની કંપનીની જાહેરાત વિવાદમાં
- 'ભગવાન હર જગહ હૈ ઔર ઓયો ભી'થી ધાર્મિક ભાવનાઓ ભડકી હોવાનો આરોપ
નવી દિલ્હી : સોશિયલ મીડિયા સાઈટ્સ પર ઓયોની જાહેરાત વિવાદમાં આવી છે. ઘણા યુઝર્સે રિતેશ અગ્રવાલની કંપની ઓયો પર લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડી હોવાના આરોપ લગાવ્યા છે. ઓયોએ હિંદી અખબારમાં આપેલી જાહેરાતમાં 'ભગવાન દરેક જગ્યાએ છે' ત્યારબાદ, 'ઔર ઓયો ભી'લખ્યું છે. તેમની જાહેરખબર બાદ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર હેશટેગ બોયકોટ ઓયો ટ્રેન્ડ થયું હતું. જેમાં, ધાર્મિક સંગઠનો અને અન્ય યુઝર્સે કંપની પાસે માફીની માંગ કરી હતી.
ધાર્મિક સંસ્થાઓનો આરોપ છે કે, ઓયોએ તેની જાહેરખબરમાં ભગવાનની સરખામણી ઓયોના રૂમ્સ સાથે કરી છે. થોડા સમય પહેલા રિતેશ અગ્રવાલે ઓયોના લોગો પાછળ ભગવાનની તસવીરમાંથી પ્રેરણા લીધી હોવાનું કહીને વિવાદ છેડયો હતો.