Get The App

છૂટાછેડાના 2 કેસમાં 2 રાજ્યોની હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : બંને મહિલાઓને આપ્યો ન્યાય

છૂટાછેડા લીધેલી પત્નીને પણ દર મહિને ભરણપોષણ મળવું જોઈએ : બોમ્બે હાઈકોર્ટનો આદેશ

મહિલા તલાક પહેલા જેવું જીવન જીવી શકે, તેવું ભરણપોષણ હોવું જોઈએ : અલ્હાબાદ હાઈકોર્ટ

Updated: Feb 6th, 2023

GS TEAM

Google News
Google News
છૂટાછેડાના 2 કેસમાં 2 રાજ્યોની હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : બંને મહિલાઓને આપ્યો ન્યાય 1 - image

મુંબઈ, પ્રયાગરાજ, તા.06 ફેબ્રુઆરી-2023, સોમવાર

દાયકાઓ પહેલા નબળા કાયદાના કારણે મહિલાઓ ઘરેલું હિસા સહિતની ઘટનાઓનો સતત શિકાર બનતી હતી, જોકે આજના સમયમાં કાયદાઓ વધુ કડક થતાં તેમજ મહિલાઓને પણ સરળતાથી કોર્ટ દ્વારા ન્યાય મળી રહેતો હોય છે. તો હાલના સમયમાં છુટાછેડાના કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે કોઈક કારણે પતિ અને પત્ની સાથે રહી શકે એવી શક્યતા ન હોવાના કારણે છુટાછેડા મેળવવા માટે પણ કાયદાની જોગવાઈ છે, ત્યારે આવા જ બે કેસમાં બોમ્બે હાઈકોર્ટ અને અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. છુટાછેડા લીધેલી પત્નીઓના બે કેસમાં બોમ્બે હાઈકોર્ટ અને અલ્હાબાદ હાઈકોર્ટે અરજદાર મહિલાઓની તરફેણમાં નિર્ણય સંભળાવી તેઓ ભરણપોષણ મેળવવા હક્કદાર હોવાનું જણાવ્યું છે.

કેસ 1 : મહિલા છુટાછેડા બાદ પણ DV એક્ટ હેઠળ ભરણપોષણ મેળવવા હક્કદાર : બોમ્બે હાઈકોર્ટ

મુંબઈ હાઈકોર્ટે કહ્યું કે, એક મહિલા છુટાછેડા બાદ પણ ઘરેલું હિંસાથી રક્ષણ અધિનિયમ (ડીવી એક્ટ) હેઠળ ભરણપોષણ મેળવવા હક્કદાર છે. જસ્ટિસ આર.જી.અવાચતની ખંડપીઠે 24 જાન્યુઆરીએ આપેલા આદેશમાં સેશન્સ કોર્ટનાં મે 2021ના નિર્ણયને યથાવત્ રાખ્યો છે અને કોર્ટે એક કોન્સ્ટેબલને તેની છૂટાછેડા લીધેલી પત્નીને દર મહિને 6000 રૂપિયા ભરણપોષણનો આપવા આદેશ આપ્યો છે. બેન્ચે આદેશમાં કહ્યું કે, અરજદારનો સવાલ છે કે, શું એક છૂટાછેડા લીધેલી મહિલા ડીવી અધિનિયમ હેઠળ ભરણપોષણ મેળવવાનો દાવો કરવા માટે પાત્ર છે. 

બેન્ચે કહ્યું કે 'ઘરેલું સંબંધ'ની વ્યાખ્યામાં બે વ્યક્તિઓ વચ્ચેના એવા સંબંધનો ઉલ્લેખ છે, જેમાં તેઓ લગ્ન અથવા વૈવાહિક સ્વભાવના સંબંધો દ્વારા એક-બીજાથી જોડાયેલા હતા અને એક સામાન્ય પરિવારમાં સાથે રહે છે અથવા ભુતકાળમાં કોઈપણ સમયે સાથે રહી ચુક્યા છે.

હાઈકોર્ટે કહ્યું કે, પતિ હોવાના કારણે અરજદાર પર પોતાની પત્ની માટે ભરણપોષણની વ્યવસ્થા કરવાની વૈધાનિક જવાબદારી છે. જોકે તે ભરણપોષણની વ્યવસ્થા કરવાના નિષ્ફળ રહ્યો છે, તેથી પ્રતિવાદી/પત્ની પાસે ડીવી અધિનિયમ હેઠળ અરજી દાખલ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

જસ્ટિસ આર.જી.અવાચતે કહ્યું કે, અરજીકર્તા ‘ભાગ્યશાળી’ છે કે, તેણે માત્ર દર મહિને છ હજાર રૂપિયા ભરપણપોષણ કરવાનો નિર્દેશ આપ્યો છે, જ્યારે તે પોલીસ સેવામાં કાર્યરત છે અને દર મહિને 25 હજારથી વધુનો પગાર મેળવે છે.

કેસ 2 : મહિલા તલાક પહેલા જેવું જીવન જીવી શકે, તેવું ભરણપોષણ હોવું જોઈએ : અલ્હાબાદ હાઈકોર્ટ

બીજા એક કેસમાં અલ્હાબાદ કોર્ટે પણ મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા જ્યાં સુધી બીજા લગ્ન ન કરે અથવા જીવનભર સુધી પોતાના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા હક્કદાર છે. મહિલા તલાક પહેલા જીવન વિતાવી રહી હતી અને તે પ્રકારે જીવી શકે, તેવું ભરણપોષણ હોવું જોઈએ. કોર્ટે કહ્યું કે, છૂટાછેડા પરના અધિકારોના રક્ષણ કરતા અધિનિયમ-1986ની કલમ 3(2) હેઠળ છુટાછેડા લીધેલી મહિલા તેના પૂર્વ પતિ પાસેથી ભરપણ પોષણ મેળવવા મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી દાખલ કરી શકે છે. આ નિર્ણય જસ્ટિસ એસ.પી.કેસરવાની તથા જસ્ટિસ એમએએચ ઈદરીસીની બેન્ચે જાહિદ ખાતૂનની અપીલને મંજૂર કરતા આપ્યો છે. 

ડિવિઝન બેન્ચે ગાઝીપુરની પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટના આદેશને ફગાવી દીધો હતો, જેમાં માત્ર ઇદ્દત સમયગાળા માટે જ ભરણપોષણ અપાયું હતું, જેને કોર્ટે ગેરકાયદેસર ગણાવ્યું છે. 

કોર્ટે વધુમાં કહ્યું કે, કોર્ટે કાયદાકીય જોગવાઈઓ અને પુરાવાઓનો યોગ્ય રીતે અભ્યાસ કર્યા વિના આદેશ આપ્યો છે. કોર્ટે સક્ષમ મેજિસ્ટ્રેટને નિયમ અનુસાર 3 મહિનાની અંદર ભરણપોષણ અને મહેર પરત કરવાનો આદેશ આપ્યો છે અને ત્યાં સુધી પતિને તેની છૂટાછેડા લીધેલી પત્નીને દર મહિને રૂ.5000નું વચગાળાનું ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.