દિલ્હી, મુંબઇને બોમ્બની ધમકી : દ્વારકાં સ્કૂલ (દિલ્હી) મુંબઇ શેરબજાર અમૃતસરનું સુવર્ણ મંદિર ઉડાડી દેવાના ઇ-મેઇલ મળ્યા
- હતાશ આતંકવાદીઓ હવે જીવ પર આવ્યા છે : વિશ્લેષકો
- દિલ્હીની સ્કૂલો કોલેજો અને મુંબઇનાં શેર બજાર ઉપરાંત અમૃતસરનાં સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાડી મુકવાની મળેલી આ બીજી ધમકી છે
નવી દિલ્હી : આજે મંગળવારે દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલ અને સેન્ટ સ્ટીફન કોલેજ ઉપરાંત મુંબઇનાં શેર બજાર અને અમૃતસરનાં સુવર્ણ મંદિરને પણ બોમ્બથી ઉડાડી દેવાની ઇ-મેઇલ દ્વારા ધમકી મળતાં દિલ્હી પોલીસની બોમ્બ સ્કવૉડ ડૉગ સ્કવૉડ અને ફાયર બ્રિગેડ ટીમ તથા સ્પેશ્યલ સ્ટાફ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.
સેંટ થોમસ સ્કૂલ અને સ્ટીફન કોલેજ તુર્ત જ ખાલી કરાયાં હતાં. તેમ દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું. બીજી તરફ બોમ્બે સ્ટોક એક્ષચેન્જને ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ૪ આરડીએક્સ આઇઇડી ટાવર બિલ્ડીંગમાં મુકવામાં આવ્યાં છે, અને તે બપોરના ૩ વાગે ફૂટશે. આ માહિતી આપતાં એ.એન.આઈ જણાવે છે કે આ ઇ-મેઇલને કોમરેડ પીનારાઈ વિજયન તેવું નામ આપવામાં આવ્યું હતું.
આ ધમકીની માહિતી મળતાં પોલીસ તુર્ત જ સક્રિય થઇ ગઈ હતી પરંતુ કશું જ શંકાસ્પદ મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે આવી જ બોમ્બ ધમકી અમૃતસરનાં સુવર્ણ મંદિરને પણ સોમવારે મળી હતી. આ બીજી વખત મળેલી ધમકી હતી. પરંતુ તેમાં પણ કશું શંકાસ્પદ મળ્યું ન હતું.
આમ છતાં પોલીસ હવે પૂરેપૂરી સાવચેત બની રહી છે. તથા તે ત્રણે શહેરોમાં બામ્બ સ્કવૉડ તથા ડૉગ સ્કવૉડ સતત જાગૃત રહે છે.
આ ઘટનાઓ અંગે વિશ્લેષકો કહે છે કે વાસ્તવમાં આતંકવાદીઓ પૂરા ફાવતા નથી અને જો પહેલ ગાંવ હુમલાં જેવા હુમલા કરવામાં પ્રથમ દ્રષ્ટિએ સફળ થયા પછી તેમને જે માર પડયો છે તેથી અને કેટલીયે જગ્યાએ નિષ્ફળતા મળવાથી હતાશ થતા જાય છે તેથી તેવો જીવ ઉપર આવી ગયા છે. ઘેર ફ્રસ્ટ્રેશન હેઝ લેડ ધેમ ટુ ડેસ્પેરેશન. આ ડેસ્પરેશનમાં તેઓ શું કરે તે કરતાં શું નહીં કરે તે જોવાનું છે. આથી સતત સાવચેતી રાખવી અનિવાર્ય છે.