સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ
- દિલ્હીની છ સ્કૂલોમાં બોમ્બ વિસ્ફોટની ધમકીથી પોલીસ દોડતી થઈ
- ડાર્ક વેબનો ઉપયોગ મોટાભાગે સાયબર ગુના, માનવ તસ્કરી અને ડ્રગ્સ તથા હથિયારોના વેપાર માટે થાય છે
નવી દિલ્હી : દિલ્હીમાં બુધવારે સવારે છ ખાનગી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા સ્કૂલ મેનેજમેન્ટ અને વાલીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. દિલ્હીની શૈક્ષણિક સ્કૂલો અને અન્ય સંસ્થાનોને સતત ત્રણ દિવસથી ઈ-મેલથી સ્કૂલોમાં બોમ્બ મુકાયા હોવાની ધમકી મળી રહી છે જ્યારે આ ઈ-મેલ મોકલનારાને શોધી કાઢવામાં દિલ્હી પોલીસ અંધારામાં ફાંફા મારી રહી છે. દિલ્હી પોલીસનો દાવો છે કે એન્ક્રીપ્ટેડ નેટવર્ક્સનો ઉપયોગ કરી ઈ-મેલ મોકલાતા હોવાથી તેને ટ્રેસ કરવા ખૂબ જ મુશ્કેલ છે.
દિલ્હીમાં બુધવારે સવારે દ્વારકામાં સેન્ટ થોમસ, વસંત કુંજમાં વસંત વેલી, પશ્ચિમ વિહારમાં રિચમંડ ગ્લોબલ, હૌજ ખાસમાં મધર ઈન્ટરનેશનલ, લક્ષ્મણ પબ્લિક અને સરદાર પટેલ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા, જેના પગલે દિલ્હી પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે સાવચેતીના ભાગરૂપે સ્કૂલો ખાલી કરાવીને બોમ્બ સ્ક્વોડ સાથે સ્કૂલોની તપાસ કરી હતી.
જોકે, દિલ્હી પોલીસના સાયબર નિષ્ણાતો અને ધમકીભર્યા ઈ-મેલ્સની તપાસ કરી રહેલા વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે ઈ-મેલ મોકલનારા વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક્સ (વીપીએન) અને ડાર્ક વેબનો ઉપયોગ કરી રહ્યા છે. ડાર્ક વેબ ઈન્ટરનેટનો એક એવો ભાગ છે, જેનો ઉપયોગ પરંપરાગત સર્ચ એન્જિનથી થઈ શકતો નથી. માત્ર વિશેષ બ્રાઉઝર્સથી જ તેનો ઉપયોગ થઈ શકે છે. ડાર્ક વેબનો ઉપયોગ મોટાભાગે સાયબર ગુના, માનવ તસ્કરી અને ડ્રગ્સ તથા હથિયારોના વેપાર માટે થાય છે. વીપીએન વપરાશકારને અન્ય નેટવર્ક સાથે સુરક્ષિત જોડાણ માટે સક્ષમ બનાવીને અનામીપણાનું વધુ એક સ્તર ઉમેરે છે.
દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, ડાર્ક વેબ પર કોઈ વ્યક્તિને ટ્રેક કરવો એ દર્પણોથી ભરેલા એક રૂમમાં પડછાયાનો પીછો કરવા સમાન છે. જ્યારે તમને લાગે કે તમને એક લીડ મળી ગઈ છે ત્યારે જ અનામીપણાના અન્ય એક સ્તરની પાછળ તેનો નાશ થઈ જાય છે. ગયા વર્ષે ફેબુ્રઆરીમાં એક ખાનગી સ્કૂલ અને દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજને બોમ્બની ધમકીનો ઈ-મેલ મળ્યો હતો, જે પાછળથી બનાવટી નીકળ્યો હતો.
એ જ રીતે ગયા વર્ષે ઑક્ટોબરમાં પ્રશાંત વિહારમાં સીઆરપીએફની સ્કૂલ બહાર એક વિસ્ફોટ થયો હતો, જેમાં કોઈને ઈજા થઈ નહોતી. આ વર્ષે જાન્યુઆરીમાં પોલીસે ધોરણ-૧૨ના એક વિદ્યાર્થીની ધરપકડ કરી હતી, જેણે કથીત રીતે ૪૦૦થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકીભર્યા ઈ-મેલ્સ મોકલ્યા હતા.
દિલ્હી પોલીસના એક સાયબર નિષ્ણાતે કહ્યું કે, તપાસ અધિકારીઓ બોમ્બની ધમકીના ઈ-મેલને હળવાશથી લઈ રહ્યા નથી. અનેક તપાસ એજન્સીઓ આ બાબતની તપાસ કરી રહી છે. જોકે, આ ધમકીઓથી બાળકો, માતા-પિતા અને સ્કૂલના કર્મચારીઓની માનકિસ્તા પર વિપરિત અસર કરે છે તેમ એક સાબર નિષ્ણાતે જણાવ્યું હતું.