દિલ્હીમાં બીએમડબલ્યુએ આર્થિક બાબતોના વિભાગના અધિકારીને ઉડાવ્યા

- નવજોત સિંઘને 19 કિ.મી. દૂર હોસ્પિટલ લઈ જવાયા
- માતાને ગંભીર ઇજા હોવા છતાં હોસ્પિટલે બહાર બેસાડી રાખી હોવાનો પુત્રનો આરોપ
નવી દિલ્હી : દિલ્હી કેન્ટોન્ટમેન્ટ મેટ્રો સ્ટેશન નજીક બીએમડબલ્યુ કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં સરકારના ટોચના અધિકારી નવજોતસિંઘનું નિધન થયુ હતુ. તેમની પત્નીએ જણાવ્યું હતું કે તેમની વારંવારની વિનંતી છતાં પણ કાર ચાલક દંપતી તેમના પતિને નજીકની હોસ્પિટલમાં નહીં પણ ૧૯ કિ.મી. દૂર આવેલી હોસ્પિટલમાં લઈ ગયું હતું, કારણ કે તે હોસ્પિટલ તેમના સગાની હતી.
પોલીસે પણ તપાસમાં જણાવ્યું હતું કે પીડિતની વાત સાચી છે, કારણ કે હોસ્પિટલ આરોપી દંપતીના સગાની હતી. હરિનગરના નિવાસી અને ઇકોનોમિક અફેર્સ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી નવજોતસિંગનું માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. જ્યારે તેમની પત્નીને ગંભીર ઇજા થઈ હતી. તેઓ બંગલાસાહિબ ગુરુદ્વારાની મુલાકાત લઈ પરત આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
બીએમડબલ્યુ કાર ચલાવતી મહિલા અને તેનો પતિ પણ અકસ્માતમાં ઇજા પામ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી મહિલા ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. નવજોતસિંઘની પત્ની સંદીપ કૌરે જણાવ્યું હતું કે મારા પતિ અકસ્માત પછી બેહોશ થઈ ગયા હતા અને હું દંપતીને સતત વિનંતી કરતી હતી કે તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જાવ, પરંતુ તેમણે મારી વાત ન માની અને છેક ૧૯ કિ.મી. દૂર આવેલી હોસ્પિટલમાં લઈ ગયા.
બીએમડબલ્યુચાલક મહિલા અને તેના સહપ્રવાસી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેઓએ દંપતીને વાન જેવા વાહનમાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડયા હતા.પોલીસે જણાવ્યું હતું કે ઘટના બપોરે દોઢ વાગે બની હતી. દંપતીના પુત્રએ જણાવ્યું હતું કે હોસ્પિટલના સત્તાવાળાઓએ પણ બેદરકારી દાખવીને મારી માતાને ગંભીર ઇજા થઈ હોવા છતાં બહાર બેસાડી રાખી હતી. જ્યારે બીએમડબલ્યુના સહપ્રવાસીને સામાન્ય ઇજા હોવા છતાં હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો.








