Maharashtra Political News : મુંબઈની સૌથી મહત્ત્વની ગણાતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા બાદ રાજકીય ગેમ શરૂ કરનારા એકનાથ શિંદે પોતાની જ જાળમા ફસાયા હોવા જેવી વાત સામે આવી છે. એક તરફ શિંદેએ મેયર પદને લઈ દાવપેચ શરૂ કર્યો છો, તો બીજીતરફ ભાજપે પણ થાણે મહાનગરપાલિકાને લઈ શિંદે જૂથને ચિંતામાં મુકી દીધા છે. ભાજપે શિંદેની જેમ જ થાણેમાં અઢી-અઢી વર્ષના કાર્યકાળની માંગ કરતા મુંબઈના રાજકારણમાં ફરી ગરમાવો શરૂ થઈ ગયો છે.
ભાજપના દાવાથી શિંદે જૂથ ટેન્શનમાં
થાણેમાં મેયર પદને લઈ ભાજપે શિંદેની શિવસેના જૂથ પાસે સ્પષ્ટ માંગ કરી છે કે, જો મહાયુતિ સરકાર ચલાવવી હોય તો મેયર પદ માટે ભાજપને પણ અઢી વર્ષનો કાર્યકાળ મળવો જોઈએ. ભાજપના આ દાવાએ શિંદે જૂથની ચિંતા વધારી દીધી છે.
થાણેમાં શિવસેનાની બહુમતી
થાણે મહાનગરપાલિકાની કુલ 131 બેઠકોમાંથી નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ની શિવસેનાએ 71 બેઠકો પર જીત મેળવી છે, જે સ્પષ્ટ બહુમતી દર્શાવે છે. બીજી તરફ ભાજપ પાસે માત્ર 28 બેઠકો છે.
થાણેમાં અઢી-અઢી વર્ષન કાર્યકાળની માંગ
શિવસેના પાસે બહુમતી હોવા છતાં, ભાજપના સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓ સત્તામાં સમાન હિસ્સાની માંગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, અમને પણ અઢી-અઢી વર્ષનો કાર્યકાળ મળવો જોઈએ. ભાજપનો તર્ક છે કે, ગઠબંધનની જીતમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે, તેથી સત્તાનું સંતુલન જળવાવું જોઈએ.
શિંદેએ દાવ રમતા ભાજપનો પણ વળતો પ્રયાર
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, મુંબઈ મહાનગરપાલિકામાં એકનાથ શિંદેની શિવસેના જે રીતે દાવ રમી રહી છે, તેનો વળતો પ્રહાર ભાજપ થાણેમાં કરી રહ્યું છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે મેયર પદ માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ શહેરના વહીવટ અને વિકાસ માટે મહત્વનું છે. તેથી ગઠબંધનના સાથી પક્ષોએ એકબીજાના જનાદેશનું સન્માન કરવું જોઈએ.


