BMC Election News : મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો ઉલટફેર થયો છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા(BMC)માં હવે ઠાકરે પરિવારની બાદશાહતનો અંત આવ્યો છે. ભાજપે પોતાનો 25 વર્ષનો વનવાસ પૂરો કરીને BMC ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવી છે. જોકે, આ હાર છતાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) પોતાની સાખ બચાવવામાં સફળ રહી. પરંતુ જો ઉદ્ધવ ઠાકરેએ એક મોટી રાજકીય ભૂલ ન કરી હોત, તો આજે પરિણામોની કહાની કંઈક અલગ જ હોત.
BMCમાં ઠાકરે યુગનો અંત, ભાજપનો 25 વર્ષનો વનવાસ પૂરો
BMC ચૂંટણીમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાવાળી મહાયુતિએ શાનદાર જીત નોંધાવી છે. દેવેન્દ્ર ફડણવીસની રણનીતિ સામે ઉદ્ધવ ઠાકરે લાચાર દેખાયા. મહાયુતિએ BMCની કુલ 227 બેઠકોમાંથી 118 બેઠકો જીતીને બહુમતીનો 114નો આંકડો પાર કરી લીધો છે. ભાજપે એકલા હાથે 89 બેઠકો મેળવી, જ્યારે શિંદે જૂથની શિવસેનાને 29 બેઠકો મળી. આ જીત ભાજપ માટે એક ઐતિહાસિક સફળતા છે, કારણ કે તેમણે મુંબઈની સૌથી ધનિક નગર નિગમ પર કબજો જમાવ્યો છે.
આંકડા શું કહે છે? ભાજપ સૌથી મોટો પક્ષ, પણ ઉદ્ધવની સાખ બચી
આ ચૂંટણીની કહાની ઉદ્ધવ ઠાકરે માટે દુઃખદ છે. તેમની શિવસેના(UBT)ને માત્ર 65 બેઠકોથી સંતોષ માનવો પડ્યો, જે 2017માં મળેલી 84 બેઠકો કરતાં ઓછી છે. ઉદ્ધવ ઠાકરેએ આ ચૂંટણીમાં તેમના ભાઈ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે હાથ મિલાવ્યો હતો, પરંતુ આ ગઠબંધનનો ખાસ ફાયદો ન મળ્યો. MNSએ માત્ર 6 બેઠકો જીતી અને બંને ભાઈઓનું ગઠબંધન 71 બેઠકો પર જ સમેટાઈ ગયું.
ઉદ્ધવ ઠાકરેથી ક્યાં થઈ ગઈ ભૂલ?
હવે સવાલ એ છે કે ઉદ્ધવ ઠાકરેથી એવી કઈ ચૂક થઈ ગઈ, જેણે તેમની પાસેથી BMCની ગાદી છીનવી લીધી? રાજકીય વિશ્લેષકો માને છે કે જો ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભાવાળી રણનીતિ અપનાવી હોત તો પરિણામો અલગ હોત. તેમની સૌથી મોટી ભૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાની હતી. કોંગ્રેસે આ ચૂંટણીમાં એકલા લડવાનો નિર્ણય કર્યો અને 24 બેઠકો જીતી. જો ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસને મનાવવામાં સફળ રહ્યા હોત અને મહા વિકાસ આઘાડી (MVA) ફરી એક થઈ હોત, તો મતોનું વિભાજન અટકાવી શકા્યું હોત.
આંકડાઓથી સમજો, કેવી રીતે બદલાઈ શકતી હતી હાર-જીતની તસવીર
BMC ચૂંટણીના અંતિમ પરિણામોના ડેટા આખી કહાની સ્પષ્ટ કરે છે. ભાજપને 45.22% મત મળ્યા, જ્યારે ઉદ્ધવ ઠાકરેની સેનાને 27.52% અને કોંગ્રેસને 4.44% મત મળ્યા. જો ઉદ્ધવ અને કોંગ્રેસ સાથે હોત, તો તેમના કુલ મત ભાજપની નજીક પહોંચી જાત. ઘણી એવી બેઠકો હતી જ્યાં મહાયુતિ જીતી, કારણ કે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના મત વહેંચાઈ ગયા. અંદાજ મુજબ, ગઠબંધનથી 20-30 વધારાની બેઠકો મળી શકી હોત. ઉદાહરણ તરીકે, અંધેરી પૂર્વ અને ગોરેગાંવ જેવા કોંગ્રેસના ગઢમાં મત વિભાજનને કારણે ઉદ્ધવના ઉમેદવારો હારી ગયા.
ભૂલ ઉદ્ધવની સાથે કોંગ્રેસની પણ હતી
આ હાર માટે માત્ર ઉદ્ધવ ઠાકરે જ નહીં, કોંગ્રેસ પણ એટલી જ જવાબદાર છે. કોંગ્રેસે જ સૌપ્રથમ 'એકલા ચલો'ની નીતિ જાહેર કરી હતી. જો કોંગ્રેસે ઉદ્ધવ સાથે ગઠબંધન કર્યું હોત, તો પરિણામો ચોક્કસપણે અલગ હોત. જો ગઠબંધન થયું હોત તો ઉદ્ધવ ઠાકરેનું ગઠબંધન 100 બેઠકોની નજીક પહોંચી શક્યું હોત અને મહાયુતિને બહુમતી મેળવવી મુશ્કેલ બની જાત.
આ હારની અસર શું થશે?
BMCની સત્તા ગુમાવવી એ ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય ફટકો છે, કારણ કે BMC હંમેશા શિવસેનાની તાકાતનું મુખ્ય સ્ત્રોત રહી છે. 25 વર્ષોથી BMC પર ઠાકરે પરિવારનું નિયંત્રણ હતું. હવે ઉદ્ધવ ઠાકરેએ ભવિષ્યની રણનીતિ અંગે ગંભીરતાથી વિચારવું પડશે. આ પરિણામ એ પણ દર્શાવે છે કે વિપક્ષ જ્યારે વિભાજિત થાય છે, ત્યારે તેનો સીધો ફાયદો સત્તાધારી પક્ષને થાય છે.


