બ્લેકાઉટસ, સાયરન્સ અને ઇવેક્યુએશન : આજથી શરૂ થનારી સિક્યુરિટી ડ્રીલમાં શાં શાં પગલાં લેવામાં આવશે
- 1971નાં ભારત-પાક. યુદ્ધ પહેલાં આવી મોક ડ્રીલ યોજાઈ હતી
- પહેલગાંવ ઘટનાએ ભારેલા અગ્નિ પરથી રાખ ઉડાડી દીધી છે : ભડકો ગમે ત્યારે થઇ શકે, વડાપ્રધાનની શ્રેણીબદ્ધ બેઠકો : સમગ્ર દેશ ખેંચેલાં ધનુષ સમાન તૈયાર કરાઈ રહ્યો છે
નવી દિલ્હી : ભારતમાં ઘૂંઘવાતા ભારેલા અગ્નિ ઉપરથી પહેલગાંવ ઘટનાએ રાખ ઉડાડી દીધી છે. ભડકો ગમે ત્યારે થઇ શકે તેમ છે. તે સંયોગોમાં તા. ૭મેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રવ્યાપી સિવિલ ડીફેન્સ મોકડ્રીલ કરવી શરૂ કરવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપી દીધો છે.
જો કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપેલા આ આદેશમાં ભારત-પાક. વચ્ચેની તંગદિલીનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. પરંતુ પહેલગાંવ ઘટના પછી અપાયેલો આ આદેશ થોડામાં ઘણું કહી જાય છે.
હવે આ મોકડ્રીલ વિષે સમજીએ...
ગૃહ મંત્રાલયે દેશના ૨૪૪ જિલ્લાઓને મોક ડ્રિલ માટે પ્રાથમિકતા આપી છે. તેનાં શહેરો અને ગામડાંઓને પણ સિવિલ ડીફેન્સ પ્રીપેર્ડનેસ (નાગરિક સંરક્ષણ તૈયારી) માટે જણાવી દીધું છે. તેમાં ડીસ્ટ્રિક્ટ કલેકટર્સ એસ.આર.પી. પોલીસ, સિવિલ ડીફેન્સ વોર્ડન્સ વૉલેન્ટીયર્સ હોમગાર્ડસ (સક્રિય અને અનામત) તેમજ એન.પી.પી. એન.એસ.એસ. એન.વાય.કે.એસ. સ્કૂલ અને કૉલેજોના વિદ્યાર્થીઓને પણ કાર્યરત થવા કહેવાયું છે અને દુશ્મનના કોઈ પણ હુમલા સામે ટક્કર માટે તૈયાર રહેવા જણાવાયું છે.
આ સિવિલ ડીફેન્સ ડ્રીલના 9 મુખ્ય મુદ્દાઓ છે
(૧) સૌથી પહેલાં તો એર રેઇડ સાયરન્સની ચકાસણી કરી તે બરોબર સક્રિય છે કે કેમ તે જોવામાં આવશે કારણ કે હવાઈ હુમલા સમયે ચેતવણી રૂપે તે વગાડવી જ પડે છે.
(૨) આ ડ્રીલ દરમિયાન ઇંડીયન એરફોર્સ સાથે હોટ લાઈન અને રેડિયો સંપર્ક સતત રાખવામાં આવશે.
(૩) કંટ્રોલ રૂમ્સ અને શેડો કન્ટ્રોલ રૂમ્સની સક્રિયતા તાજી કરવામાં આવશે.
(૪) દુશ્મનના હુમલા સામે નાગરિકો અને વિદ્યાર્થીઓને તાલિમબદ્ધ કરવામા આવનાર છે.
(૫) આ તાલિમનાં અચાનક બ્લેક આઉટ પણ કરી દેવાશે. તે સમયે ગાડીઓ ફરી નાગરીકોને લાઇટો બંધ કરવા જણાવી દેવાશે. કેટલા સમય સુધી લાઇટો બંધ રાખવી તે પણ સૂચવાશે.
(૬) એર ફીલ્ડસ રિફાઈનરીઝ રેલ પાર્ટઝ વગેરેને કેમોફ્લેજ કરવામાં આવશે.
(૭) સંભવિત હવાઈ હુમલા અંગે બચાવ કાર્યની ટુકડીઓ તૈયાર કરાશે. ફાયર ફાયટર્સ સતત તૈયાર રહેશે. હવાઈ હુમલા થાય જ તો નાગરિકોને નિયમાનુસાર સલામત સ્થળે લઇ જવાશે. જેમ કે મહિલાઓ અને બાળકોને સૌથી પહેલાં સલામત જણાતાં સ્થળે લઇ જવાશે, પછી વૃદ્ધો અને તે પછી યુવાનોને સલામત સ્થળે પહોંચાડવામાં આવશે.
(૮) નાગરિકોને ફર્સ્ટ એઇડ માટે તાલિમ અપાશે. યુવાનોને ફાયર ફાઇટિંગ માટે અને શેલ્ટર બિલ્ડીંગ ટ્રેનિંગ માટે તાલિમ અપાશે.
ટૂંકમાં ભારત પહેલગાંવ નૃશંસ હુમલા પછી અનેકવિધ પગલાંઓ લેવાં શરૂ કરી દીધાં છે.
જેવાં કે મિત્ર દેશોને સત્ય હકીકતથી વાકેફ કરવા પાકિસ્તાનને બને તેટલા દેશોથી અલગ પાડવાની રાજદ્વારી કાર્યવાહી પૂરી થવામાં છે.
પાકિસ્તાન સામેનાં શિક્ષાત્મક પગલાં તરીકે પહેલાં સિંધુનાં જળ રોકવામાં આવ્યાં હતાં હવે ચીનાબનાં જળ પણ રોકવામાં આવ્યાં છે. ઉપરાંત લશ્કરી પગલાંની પણ તૈયારી કરાઈ છે.
વડાપ્રધાન મોદી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે તો બેઠકો યોજે જ છે. ઉપરાંત આર્મી, નેવી અને એરફોર્સના વડાઓ સાથે રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી જયશંકરની ઉપસ્થિતિમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજે છે. ગૃહમંત્રી પણ આ બેઠકોમાં ઉપસ્થિત હોય છે. સંરક્ષણ સચિવ પણ સાથે રહે છે. હવે, સરહદી રાજ્યોમાં તો સલામતી સમીતી બનાવાઈ ગઇ છે. પરંતુ દેશભરમાં સિક્યુરીટી ડ્રીલ શરૂ થઈ રહી છે. ગમે ત્યારે ગમે ત્યાં વિશેષત: સરહદી રાજ્યોમાં આપણે એર રેઇડ સાયરન્સ ગૂંજતી સાંભળશું તે સ્થિતિ આવી છે.