વિપક્ષી ‘પ્રોપગેંડા’ને ધ્વસ્ત કરવા ભાજપે બનાવ્યો ખાસ પ્લાન, આ મંત્રીઓ-નેતાઓને સોંપાઈ જવાબદારી
ભાજપે લોકસભા-2024ની ચૂંટણી માટે એક એમ્પાવર્ડ ગ્રુપ બનાવ્યું હોવાની ચર્ચા
ગ્રુપમાં કેટલાક કદાવર કેન્દ્રીય મંત્રીઓ અને પક્ષના ખાસ નેતાઓનો સમાવેશ કરાયો
નવી દિલ્હી, તા.14 ઓગસ્ટ-2023, સોમવાર
ભાજપે લોકસભા-2024ની ચૂંટણી માટે પક્ષનો નૈરેટિવ તૈયાર કરવા એક એમ્પાવર્ડ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં કેટલાક કદાવર કેન્દ્રીય મંત્રીઓ અને પક્ષના ખાસ નેતાઓનો સમાવેશ કરાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગ્રુપને ‘મહત્વના મુદ્દાઓ પર પક્ષ કંઈ રીતે પોતાની વાત રજુ કરશે’ તેની રણનીતિ તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ છે. મળતા અહેવાલો મુજબ આ ગ્રુપને કથિત વિપક્ષી પ્રોપગેંડાનો યોગ્ય જવાબ આપવાની પણ જવબદારી સોંપાઈ છે.
મંત્રીઓ અને મોટા નેતાઓને સોંપાઈ જવાબદારી
ભાપના આ એમ્પાવર્ડ ગ્રુપમાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને પક્ષના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનિલ બલૂની પણ સામેલ છે. આ બંને નેતાઓ ક્રમશઃ સરકાર અને પક્ષ માટે સંવાદનો ડ્રાફ્ટ તૈયાર કરે છે. પક્ષના નેતાઓનું કહેવું છે કે, સરકાર અને સંગઠનની વાતોમાં તાલમેલ જાળવી શકાય તે માટે ઠાકુર-બલૂનીને જ એમ્પાવર્ડ ગ્રુપના કો-ઓર્ડિનેટર બનાવાયા છે.
ગ્રુપમાં આ નેતાઓ પણ સામેલ
મળતા અહેવાલો મુજબ આ ગ્રુપમાં જે અન્ય નેતાઓને સામેલ કરાયા છે, તેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર અને જિતેન્દ્ર સિંહ સામેલ છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, પક્ષ ઉપાધ્યક્ષ બિજયંત પાંડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પણ સામેલ છે.
અનુભવી નેતાઓને સોંપાઈ જવાબદારી
પક્ષના નેતાઓનું કહેવું છે કે, ધર્મેન્દ્ર પ્રધાન ઈલેક્શન મેનેજર તરીકે ઘણા અનુભવી છે. તેમણે પક્ષ માટે ઘણા રાજ્યોમાં ચૂંણીનું સંચાલન કર્યું છે. જ્યારે રવિશંકર પ્રસાદ સંગઠન અને સરકાર તરફથી પાર્ટીનો પક્ષ મીડિયા સમક્ષ રાખવામાં ઘણા માહેર મનાય છે. તેઓ તથ્યો પર આધારિત દલીલોના આધારે વિરોધ પક્ષોના પ્રશ્નોના જવાબ આપવામાં ખૂબ જ અનુભવી છે.
પક્ષના નેતાઓનું કહેવું છે કે, સ્મૃતિ ઈરાની ઘણી ભાષાઓનું જ્ઞાન ધરાવે છે અને તેઓ આક્રમક અંદાજમાં વિપક્ષી દળો પર જોરદાર પ્રહારો કરે છે. જ્યારે સોશિયલ મીડિયાના જમાનામાં રાજીવ ચંદ્રશેખરની જરૂર ખુબ વધી ગઈ છે અને તેમને ટેક્નો સેવી પણ મનાય છે.
વિપક્ષના આરોપોને યોગ્ય જવાબ આપવાની પણ રણનીતિ
સૂત્રોના જણાવ્યા મુજબ આ ગ્રુપ લગભગ રોજબરોજ ચર્ચા કરે છે અને વર્તમાન રાજકીય વિષય પર પોતાનો સંવાદ કરે છે. જ્યારે પક્ષના નેતાઓનું કહેવું છે કે, આ આધારે ગ્રુપ નક્કી કરે છે કે, સંબંધીત મુદ્દાઓ પર પાર્ટીની લાઈન શું હોવી જોઈએ અને તેને કેવી રીતે રજુ કરવામાં આવે... આ ગ્રુપ વિપક્ષના તમામ કથિત પ્રોપગેંડા વિરુદ્ધ પક્ષ માટે જવાબ તૈયાર કરશે, જેથી તેમના આરોપોનો યોગ્ય ઉત્તર આપી શકાય.