Get The App

મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખૂલ્યું

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખૂલ્યું 1 - image


Maharastra Election news :  મહારાષ્ટ્રની 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણોમાં દિગ્ગજ નેતા શરદ પવારની પાર્ટી NCP-SP માટે મોટા ઝટકાના સંકેત મળી રહ્યા છે. ખાસ કરીને મુંબઈ જેવા મોટા શહેરોમાં પાર્ટીનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે, જ્યારે તેમના ભત્રીજા અજિત પવારની NCP પાર્ટી અનેક ગણી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે. દેશની સૌથી ધનિક બૃહન્મુંબઈ મહાનગરપાલિકા(BMC)માં, જ્યાં કુલ 227 વૉર્ડ છે, ત્યાં શરદ પવારની પાર્ટી (NCP-SP) માત્ર 1 સીટ પર આગળ ચાલી રહી છે. મુંબઈના રાજકીય અને આર્થિક મહત્ત્વને જોતાં આ NCP-SP માટે એક મોટો ફટકો માનવામાં આવે છે.

અન્ય શહેરોમાં પણ નિરાશાજનક પ્રદર્શન

મુંબઈ ઉપરાંત અન્ય મોટા શહેરોમાં પણ શરદ પવારની પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. થાણેમાં પાર્ટી 3 બેઠકો પર આગળ છે. જોકે, પૂણે, કલ્યાણ, નવી મુંબઈ, ઉલ્હાસનગર અને વસઈ-વિરાર જેવા શહેરોમાં NCP-SPનું ખાતું પણ નથી ખૂલ્યું. આ ઉપરાંત જલગાંવ, ધુલે, નાંદેડ, પરભણી, જાલના, ચંદ્રપુર, અમરાવતી, સોલાપુર, કોલ્હાપુર અને નાસિક જેવા શહેરોમાં પણ શરદ પવારની પાર્ટીનો કોઈ ઉમેદવાર આગળ નથી.

કાકા પર ભત્રીજો ભારે પડ્યો

ચૂંટણીના વલણો દર્શાવે છે કે અજિત પવારની પાર્ટી NCP હાલમાં 114 વૉર્ડમાં આગળ છે. આ આંકડો શરદ પવારની પાર્ટી કરતાં લગભગ પાંચ ગણો વધારે છે, જે દર્શાવે છે કે રાજકીય લડાઈમાં ભત્રીજો કાકા પર ભારે પડી રહ્યો છે. પૂણે અને પિંપરી-ચિંચવડ જેવા પવાર પરિવારના ગઢમાં પણ ભાજપે મજબૂત લીડ મેળવીને NCPને ઝટકો આપ્યો છે. જોકે, આ બે શહેરોમાં કાકા અને ભત્રીજાની પાર્ટીઓએ સાથે મળીને ચૂંટણી લડી હતી.

MNSનું પ્રદર્શન NCP-SP કરતાં સારું

આ ચૂંટણીમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)નું પ્રદર્શન શરદ પવારની પાર્ટી કરતાં સારું જોવા મળી રહ્યું છે. MNSના 17 ઉમેદવારો સમગ્ર મહારાષ્ટ્રમાં આગળ ચાલી રહ્યા છે, જેમાંથી 5 ઉમેદવારો મુંબઈમાં આગળ છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં શરદ પવારની NCP-SP કોંગ્રેસથી અલગ લડી રહી છે.