For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જે દેશને લૂંટે છે ભાજપ તેમને સમર્થન આપે છે, રાહુલનું સાંસદ પદ રદ થતા પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર

કોંગ્રેસેે બોલાવી સાંજે 5 વાગ્યે ઈમરજન્સી બેઠક, તેમાં તમામ ટોચના નેતા સામેલ થશે

અશોક ગેહલોતે કહ્યું - સરમુખત્યારશાહી વિરુદ્ધ અવાજ વધુ મજબૂત થશે

Updated: Mar 24th, 2023

image : Twitter

રાહુલ ગાંધીનું લોકસભા સાંસદ પદ રદ કરી દેવામાં આવતા તેે હવે પૂર્વ સાંસદ બની ગયા છે.  પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે ત્વરિત પ્રતિક્રિયા આપતાં ટ્વિટ કરી હતી. તેમણે કહ્યું કે નીરવ મોદીએ 14 હજાર કરોડનું, લલિત મોદીએ 425 કરોડનું, મેહુલ ચોક્સીએ 13500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું. જે લોકોએ દેશના પૈસા લૂંટ્યા, ભાજપ એ લોકોનો બચાવ કેમ કરી રહ્યો છે? તપાસથી ભાગે કેમ છે? જે લોકો સવાલો ઊઠાવે છે તેમના પર કેસ ઠોકી દેવાય છે. શું ભાજપ ભ્રષ્ટાચારીઓને ટેકો આપે છે. આ મામલે હવે કોંગ્રેસે સાંજે 5 વાગ્યે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ જોડાઈ શકે છે.  પ્રિયંકા ગાંધી આ દરમિયાન રાહુલ ગાંધીના ઘરે પહોંચી ગયા છે.   

કોંગ્રેસે આપી પ્રતિક્રિયા 

આ મામલે કોંગ્રેસ વતી સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીનું  લોકસભા સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું. તે તમારા માટે અને દેશ માટે રોડથી સંસદ સુધી લડી રહ્યા છે. લોકતંત્રને બચાવવા દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. દરેક કાવતરાં છતાં તે આ લડાઈ દરેક કિંમતે ચાલુ રાખશે અને આ મામલે ન્યાયસંગત કાર્યવાહી કરશે. 

ખડગેએ કહ્યું - સાચુ બોલનાર સામે કાર્યવાહી કરાઇ 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ પણ આ મામલે ત્વરિત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અમે સંસદમાં બોલતા રહીશું. તેમને સત્ય બોલવાની સજા મળી રહી છે. અમે લોકતંત્ર માટે લડતા રહીશું. આ રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ છે. 

અશોક ગેહલોતે પણ આપી આકરી પ્રતિક્રિયા

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીના લોકસભા સભ્યપદ રદ થવા અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે  લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવી એ સરમુખત્યારશાહીનું બીજું ઉદાહરણ છે. ભાજપે એ ન ભૂલવું જોઈએ કે તેઓએ આ જ પદ્ધતિ શ્રીમતી ઈન્દિરા ગાંધી સામે પણ અપનાવી હતી અને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. રાહુલ ગાંધી દેશનો અવાજ છે જે હવે આ તાનાશાહી સામે વધુ મજબૂત બનશે.

મમતાએ કર્યા મોદી સરકાર પર તીખા પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થતા પ.બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીના ન્યૂ ઈન્ડિયામાં ભાજપના નિશાને વિપક્ષના નેતાઓ છે. જોકે ગુનાઇત પૃષ્ઠભૂમિવાળા ભાજપના નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરાય છે. વિપક્ષના નેતાઓને તેમના ભાષણ માટે અયોગ્ય ઠેરવી દેવાય છે. આજે અમે બંધારણીય લોકશાહી માટે એક નવું નીચલું સ્તર જોયું છે. 

ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું કે - દેશમાં ચોરને ચોર કહેવું ગુનો બની ગયો છે 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આપણા દેશમાં ચોરને ચોર કહેવું હવે ગુનો બની ગયો છે. દેશમાં ચોરો, લુંટારુઓ મુક્તપણે ફરી રહ્યા છે જ્યારે રાહુલ ગાંધીને સજા આપવામાં આવી રહી છે. આ લોકશાહીની સીધી હત્યા છે. તમામ સરકારી તંત્ર દબાણ હેઠળ છે. આ સરમુખત્યારશાહીના અંતની શરૂઆત છે. 




Gujarat