ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા બનાવ્યાં 3 પ્લાન, દેખાવો વચ્ચે કેજરીવાલનો મોટો આક્ષેપ
Arvind Kejriwal on BJP : આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ હેડક્વાર્ટર ખાતે દેખાવ કરતા પહેલા પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.
વડાપ્રધાને ઓપરેશ ઝાડુ શરુ કર્યું : કેજરીવાલ
કેજરીવાલે પોતાના સંબોધમાં કહ્યું કે 'અમારે આજે એકઠા થવું પડ્યું કારણ કે વડાપ્રધાને આમ આદમી પાર્ટીને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે ઓપરેશન ઝાડુ શરૂ કર્યું છે. એવા ઘણા લોકો છે જે વડાપ્રધાનને મળે છે, આ આમ આદમી પાર્ટીના લોકો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ વડાપ્રધાનના શબ્દો છે જે મને તેમને (પીએમ મોદી) મળીને આવેલા લોકોએ જણાવ્યા હતા.'
AAPને ખતમ કરવાના ભાજપના ત્રણ પ્લાન
આ ઉપરાંત કેજરીવાલે વધુમાં કહ્યું હતુ કે 'આગામી સમયમાં આમ આદમી પાર્ટી ભાજપ માટે મોટો પડકાર બની શકે છે. માટે આદમી પાર્ટી ભાજપ માટે મોટો પડકાર બને તે પહેલા ઓપરેશન ઝાડુ ચલાવીને પાર્ટીને ખતમ કરી દેવી જોઈએ. આગામી સમયમાં ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના બેંક ખાતા જપ્ત કરવા, ઓફિસ ખાલી કરીને રસ્તા પર લાવવા અને પાર્ટીના નેતાઓની ધરપકડ કરવાના ત્રણ પ્લાન બનાવવામાં આવ્યા છે.'
સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાને લઈને રાજકારણ ગરમાયું
નોંધનીય છે કે દેશની રાજધાની દિલ્હીમાં સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાને લઈને રાજકારણ ગરમાયું છે. મોડી રાત્રે કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રીએ રસ્તા પર ઉતરીને દેખાવ કર્યો છે. કેજરીવાલ તેના સમર્થકો સાથે ભાજપ કાર્યાલય તરફ કૂચ કરશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યો, મંત્રીઓ અને નેતાઓ પણ તેમની સાથે કૂચ કરશે.