'ડિલિવરી ડેટ આપો, મહિલાને ઉઠાવી લઈશું', ભાજપ સાંસદે ખરાબ રસ્તાની ફરિયાદની ઠેકડી ઉડાવી
Madhya Pradesh BJP MP Rajesh Mishra: ચૂંટણીમાં વોટ માંગવા માટે મીઠા મીઠા વચનો આપતા નેતાઓ જીત્યા બાદ કેવા બદલાઈ જાય છે તેનું ઉત્તમ ઉદાહરણ મધ્ય પ્રદેશના ભાજપના સાંસદ રાજેશ મિશ્રાએ પૂરું પાડ્યું છે. મધ્ય પ્રદેશના સીધી જિલ્લાની રહેવાસી લીલા સાહુ પાસેથી દરેક વ્યક્તિએ શીખવા જેવું છે. સાહુએ સોશિયલ મીડિયામાં પોતાના ગામ માટે મૂળભૂત સુવિધાઓની માંગ કરી હતી. તેમણે સરકારના દરેક દાવાઓને ખોટા સાબિત કર્યા છે. હાલમાં તેનો વીડિયો ખૂબ વાઈરલ થયો હતો.
આ પણ વાંચો: ભારતની વસતી 1.5 અબજે પહોંચી, પણ પ્રજનન દરમાં નોંધપાત્ર ઘટાડોઃ UN રિપોર્ટ
શું છે મામલો?
નોંધનીય છે કે મધ્ય પ્રદેશના સીધી જિલ્લાની ગર્ભવતી મહિલા લીલા સાહૂએ એક વીડિયો બનાવીને પોતાના ગામમાં રસ્તો બનવાની માંગ કરી હતી. તેમનો વીડિયો ખૂબ વાઈરલ થયો હતો. જોકે એક વર્ષ બાદ પણ ગામમાં રસ્તો ન બન્યો. લીલા સાહૂ ફરી એક્ટિવ થયા અને નેતાઓ અને તંત્ર સામે સવાલ ઉઠાવ્યા. વીડિયોના માધ્યમથી ફરિયાદ કરી હતી કે ગર્ભવતી મહિલાને લઈ જવા માટે ઍમ્બ્યુલન્સ પણ આવી શકે તેવા રસ્તા નથી.
ગર્ભવતીને ઉઠાવી લઈશું, ચિંતા ન કરો: ભાજપના સાંસદ રાજેશ મિશ્રા
મહિલાને જવાબ આપતા ભાજપના સાંસદ રાજેશ મિશ્રાએ હદ વટાવી કહ્યું છે કે, ગર્ભવતી મહિલા ડિલિવરીની તારીખ બતાવે, અમે એક સપ્તાહ પહેલા જ ઉઠાવી લઈશું અને દાખલ કરાવીશું. તેમણે કહ્યું છે, કે 'ચિંતાની શું વાત છે? ઍમ્બ્યુલન્સ છે, હોસ્પિટલ છે, આશાવર્કર્સ છે, અમે વ્યવસ્થા કરી આપીશું. ડિલિવરીની સંભાવિત તારીખ બતાવો અમે એક સપ્તાહ પહેલા જ ઉઠાવી લઈશું અને દાખલ કરાવી દઇશું. રસ્તા હું નહીં એન્જિનિયર-કોન્ટ્રાક્ટર બનાવે છે.'
કોઈ કશું પોસ્ટ કરે તો અમે શું ડમ્પર લઈને પહોંચી જઈશું?: રાકેશ સિંહ
આટલું જ નહીં મધ્ય પ્રદેશના PWD મંત્રી રાકેશ સિંહ તો કહી રહ્યા છે કે, 'એવા ઘણા વિસ્તાર છે કે જ્યાં રસ્તાની માંગણી છે. PWD કે કોઈ પણ વિભાગ પાસે એટલું બજેટ નથી કે કોઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દે અને અમે રસ્તા બનાવવા માટે ડમ્પર લઈને પહોંચી જઈએ? રસ્તો બનાવવા માટે પણ એક પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા કોઈ કશું પોસ્ટ કરી દે તો શું અમે માંગ સ્વીકારી લઈશું?'