VIDEO : ‘ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો કે અપક્ષમાંથી ચૂંટણી લડશો તો બુલડોઝર ફેરવી દઈશું’, BJP ધારાસભ્યએ આપી ધમકી
ઉત્તરપ્રદેશના ભાજપના ધારાસભ્ય દિનેશ રાવતનો ધમકી આપતો વીડિયો વાયરલ
વાયરલ વીડિયો અંગે દિનેશ રાવતે કહ્યું, મેં ઈરાદાપૂર્વક આવું કોઈ નિવેદન કર્યું નથી

બારાબંકી, તા.11 ડિસેમ્બર-2022, રવિવાર
ઉત્તરપ્રદેશના હૈદરગઢ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દિનેશ રાવતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિનેશ રાવત ટિકિટ માંગવા આવેલા ઉમેદવારોને બળવાખોરી કરવા પર બુલડોઝરની કાર્યવાહી કરવાની ધમકી આપતા જોવા મળી રહ્યા છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં યોજાનારા આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઘણા લોકો તેમની પાસે ટિકિટ માગવા આવ્યા હતા. ધારાસભ્યએ પહેલા ઉમેદવારોને સમજાવ્યા અને પછી કહ્યું કે, ટિકિટ ન મળવા પર ભાજપના ઉમેદવારનો વિરોધ અને અપક્ષમાંથી ચૂંટણી લડી તો તેમનું બુલડોઝર જશે અને ચાલશે.
ઉલ્લેખનિય છે કે, બારાબંકીની નગર પંચાયત સુબેહામાં ધારાસભ્ય દિનેશ રાવત અને પાર્ટી જિલ્લા અધ્યક્ષ શશાંક કુમાર સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓની ભાજપના સંભવિત ઉમેદવારો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાવતે તમામ સંભવિત ઉમેદવારોને પ્રતિજ્ઞા અપાવી કે, જે પણ ઉમેદવારને પક્ષ ટિકિટ આપશે, તમામ લોકો તે ઉમેદવારનું સમર્થન કરશે.
જુઓ... વાયરલ વીડિયોમાં ધારાસભ્યએ શું કહ્યું
ત્યારબાદ રાવતે કહ્યું કે, જો તમને ટિકિટ ન મળી અને અપક્ષમાંથી ચૂંટણી લડવી છે તો તમે ભાજપ પાસેથી ટિકિટ ન માંગો. અમે તમને રોકીશું નહીં. જો તમે પક્ષ પાસેથી ટિકિટ માંગો છો અને ટિકિટ મળતી નથી અને ભાજપના ઉમેદવારનો વિરોધ કરી ચૂંટણી લડશો તો અમારું બુલડોઝર ફેરવી દઈશું. નહીં તો ટિકિટ ન માંગો અને કહી દો કે ભાજપ સાથે કોઈ લેવા-દેવા નથી. આ દરમિયાન ઘણા લોકો વીડિયો પણ બનાવી રહ્યા હતા, જેમાંથી કોઈએ આ વીડિયો વાયરલ કરી દીધો હતો.
વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્યએ આપ્યો જવાબ
જ્યારે આ વાયરલ વીડિયો અંગે ધારાસભ્ય દિનેશ રાવતને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મેં ઈરાદાપૂર્વક આવું કોઈ નિવેદન કર્યું નથી. પક્ષના સંભવિત ઉમેદવારો સાથે બેઠક થઈ રહી હતી અને તેઓને પ્રતિજ્ઞા અપાવી રહ્યો હતો કે, પક્ષ કોઈપણ ઉમેદવારને ટિકિટ આપે, તમામ લોકોએ તેનું જ સમર્થન કરવાનું છે. કોઈપણ પક્ષનો વિરોધ કરી અપક્ષમાંથી ચૂંટણી લડશે નહીં. આ દરમિયાન કદાચ કંઈક બોલાઈ ગયું હશે.

