'મારા મોઢેથી સત્ય નીકળી ગયું...' ભાજપના વિવાદોમાં રહેલા નેતાએ અખિલેશની કરી પ્રશંસા
Images Sourse: IANS |
Uttar Pradesh Politics: ઉત્તર પ્રદેશના કૈસરગંજ સંસદીય ક્ષેત્રના પૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'અખિલેશ યાદવ એક ધાર્મિક વ્યક્તિ છે. તે શ્રીકૃષ્ણના વંશજ છે. તેમના પિતા મુલાયમ સિંહ યાદવ હનુમાનજીના ભક્ત હતા.' ભાજપના નેતાએ સમાજવાદી પાર્ટીના વડાના વખાણ કરીને બધાને ચોંકાવી દીધા છે.
અખિલેશ યાદવ ધર્મની વિરુદ્ધ ન હોઈ શકે: બ્રિજભૂષણ શરણ સિંહ
સંત કબીર નગરના પૂર્વ સાંસદ શરદ ત્રિપાઠીની ચોથી પુણ્યતિથિ પર ગોંડામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ઘણાં નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે સ્ટેજ પર અખિલેશ યાદવના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, 'અખિલેશ યાદવ એક ધાર્મિક વ્યક્તિ છે. તેમના પિતા મુલાયમ સિંહ યાદવ ભગવાન હનુમાનની પૂજા કરતા હતા. અખિલેશે એક ભવ્ય મંદિર બનાવ્યું છે. તે ભગવાન કૃષ્ણના વંશજ છે. તે ધર્મની વિરુદ્ધ ન હોઈ શકે. તે ધર્મની વિરુદ્ધ જે કંઈ કહે છે તે તેમની રાજકીય મજબૂરી છે. મારે અહીં આ કહેવું જોઈતું ન હતું, પરંતુ અહીં વિદ્વાન લોકો બેઠા છે, તેથી મારા મોઢેથી સત્ય નીકળ્યું ગયું છે.'
'કથા સાંભળવી અને કહેવી દરેકને અધિકાર છે'
ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક કથાકાર પર થયેલા હુમલાની ઘટના પર બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, કથા સાંભળવી અને કહેવી એ કોઈ ચોક્કસ જાતિ કે વર્ગનો ઈજારો નથી. દરેકને આ અધિકાર છે. પવિત્રતાના નામે કથાકારોની ટીકા કરનારાઓએ વેદ વ્યાસ અને વિદુરના જીવનચરિત્ર વાંચવા જોઈએ. કોઈએ કોઈ ચોક્કસ જાતિનું અપમાન ન કરવું જોઈએ. પરંતુ આ સમગ્ર મુદ્દા પર જે રીતે રાજકારણ થઈ રહ્યું છે, તે ન થવું જોઈએ. ધર્મ અને જાતિને રાજકારણનું સાધન ન બનાવવું જોઈએ.'
રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ
ભાજપ નેતા બ્રિજભૂષણ શરણ સિંહે ભલે આ નિવેદન સરળ શબ્દોમાં આપ્યું હોય અથવા કોઈના વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હોય, પરંતુ રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા શરુ થઈ ગઈ છે. જેના ઘણાં અર્થ કાઢવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ બ્રિજભૂષણ શરણ સિંહે પૂર્વ સીએમ મુલાયમ સિંહની પ્રશંસા કરી છે. આ દરમિયાન તેમણે મુલાયમ સિંહની કાર્યોની પ્રશંસા કરી હતી.