પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ બીજેપી નેતાની ધરપકડ
- આ અગાઉ કાનપુર હિંસા બાદ યુપી સરકારે એક મોટું પગલું ભર્યું હતું અને 21 IAS અધિકારીઓની બદલી કરી હતી
કાનપુર, તા. 08 જૂન 2022, બુધવાર
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવા બદલ બીજેપી નેતાની યુપી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ કાર્યવાહી કાનપુરમાં હિંસા બાદ કરી છે. આ બીજેપી નેતાનું નામ હર્ષિત શ્રી વાસ્તવ છે. પોલીસે આ કાર્યવાહી સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવાને કારણે કરી છે. હર્ષિત યુવા મોર્ચાના પૂર્વ જિલ્લા મંત્રી છે. કાનપુર પોલીસ કમિશનર વિજય મીણાએ કહ્યું કે, જે પણ લોકો ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, પયગંબર મોહમ્મદ પર ભાજપ નેતાઓ અને નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર વિવાદ હજુ પણ ચાલું જ છે. ઈરાન, ઈરાક, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, ઓમાન, ઈરાન, UAE, જોર્ડન, અફઘાનિસ્તાન, બહરીન, માલદીવ, લીબિયા અને ઈન્ડોનેશિયા સહિત ઓછામાં ઓછા 15 દેશોએ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ભારત વિરોધ સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા છે જ્યારે પાર્ટીના દિલ્હી એકમે મીડિયા પ્રમુખ નવીન કુમાર જિંદલને કાઢી મૂક્યા હતા.
આ અગાઉ કાનપુર હિંસા બાદ યુપી સરકારે એક મોટું પગલું ભર્યું હતું અને 21 IAS અધિકારીઓની બદલી કરી હતી. બીજી તરફ કાનપુરના ડીએમ નેહા શર્માની પણ બદલી કરી દેવામાં આવી છે. ત્યાં હવે નવા ડીએમ વિશાખજી હતા. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુરમાં પયગંબર મોહમ્મદની વિરોધમાં બીજેપી પ્રવક્તાના વિવાદાસ્પદ અને કથિત અપમાનજનક ટિપ્પણીઓના વિરોધમાં હિંસા ભડકી ગઈ હતી. વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં શુક્રવારની નમાજ બાદ દુકાનો બંધ કરાવવા દરમિયાન બે સમુદાયના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. તેને શાંત કરાવવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ હિંસામાં પોલીસે 30થી વધુ લોકોની ધરપકડ કરી છે.