ભાજપની ચૂંટણી પ્રચારની નવી થીમ લોન્ચ : ફિર એક બાર મોદી સરકાર
- મોદીનો કાર્યકાળ પ્રામાણિકતાભર્યો હતો : ભાજપ
- જનતાએ નિર્ણાયક મોદી અને ઘોંઘાટભર્યા વિપક્ષ પૈકી એકની પસંદગી કરવાની છે : જેટલી
નવી દિલ્હી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર
ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારની નવી થીમ લોન્ચ કરી છે અને તેનું સૂત્ર ફિર એક બાર મોદી સરકાર છે. આ પ્રચારમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે નિર્ણાયક મોદી અને વિપક્ષોના ઘોંઘાટમાંથી જનતાએ કોઇ એક વિકલ્પની પસંદગી કરવાની છે.
ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગત પાંચ વર્ષના કાર્યકાળને પ્રામાણિકતાભર્યો કાર્યકાળ ગણાવવામાં આવ્યો છે. નાણાપ્રધાન અરૃણ જેટલીએ પ્રચારની થીમ લોન્ચ કરતા નિવેદન આપ્યું છે કે પ્રચારમાં નરેન્દ્ર મોદીની કામગીરીને કેન્દ્રમાં રાખવામાં આવશે. લશ્કરી સજ્જતા અને આંતરરાષ્ટ્રીય સંબંધો અંગે તેમણે લીધેલા નિર્ણયોથી લોકોને માહિતગાર કરવામાં આવશે.
ઉપરાંત તેમણે લીધેલા મોટા નિર્ણયોનો પણ પ્રચાર કરવામાં આવશે. વિપક્ષો પર કટાક્ષ કરતા તેમણે કહ્યું છે કે એક વ્યક્તિના વડપણ હેઠળની સરકાર પસંદ કરવી કે ૪૦થી પણ વધુ વડાઓ હોય તેવી સરકારને પસંદ કરવી તે હવે જનતાએ જોવાનું છે.
વિપક્ષના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર સેનાનો રાજકીય ઉપયોગ કરી રહી છે, પરંતુ સરકારે સેનાનો કોઇ રાજકીય ઉપયોગ કર્યો નથી. સેના અંગે લેવાયેલા પગલાંઓ નિર્ણાયકતાની નિશાની અને આતંકવાદ પ્રત્યે શૂન્યવત સહનશીલતા દર્શાવે છે.