Jagdeep Dhankhar Resignation: ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ શરુ કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે બેઠકમાં સદનના નેતા જેપી નડ્ડા અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુની ઉપસ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે બેઠકમાં સામેલ ન હોવાનું કારણ જણાવ્યું હતું કે, સંસદીય કાર્યોમાં વ્યસ્ત હતા.
ઉપરાષ્ટ્રપતિની બેઠકનો કેમ ગેરહાજર રહ્યા?
જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, કિરેન રિજિજુ અને હું ઉપરાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવેલી 4.30 વાગ્યાની બેઠકમાં ભાગ લઈ શક્યા નહીં, કારણકે, અમે અન્ય મહત્ત્વપૂર્ણ સંસદીય કાર્યોમાં વ્યસ્ત હતા. આ અંગે અમે માનનીય ઉપરાષ્ટ્રપતિની ઑફિસમાં સૂચના આપી હતી. તદુપરાંત મેં રાજ્યસભામાં જે વાત કરી હતી, જે હું બોલી રહ્યો છું, તે જ ઑન-રૅકોર્ડ હશે. આ વાત વિપક્ષના રોક-ટોક કરતાં સાંસદો માટે હતી, સભાપતિ માટે નહીં.
શું જેપી નડ્ડાથી નારાજ થયા હતા જગદીપ ધનખડ
સદનની કાર્યવાહી દરમિયાન બપોરે 4.30 વાગ્યે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બીજી બેઠક થઈ હતી. જેમાં સત્તા પક્ષ તરફથી સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરૂગન સામેલ થયા હતા. મુરૂગને ધનખડને બેઠક આગામી દિવસ (મંગળવાર) માટે રિશિડ્યુલ કરવા આગ્રહ કર્યો હતો. આ બેઠકમાં નડ્ડા અને રિજિજુ હાજર થયા ન હતા. જેથી ધનખડ તેમનાથી નારાજ થયા હતા. ઉલ્લેખનીય છે, આખા બોલા ધનખડે જસ્ટિસ યશવંત વર્માથી માંડી અનેક કેસમાં સરકાર અને સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ આક્રમક નિવેદનો આપ્યા છે.
કોંગ્રેસ સાંસદનો દાવોઃ નડ્ડાએ સભાપતિનું કર્યું અપમાન
કોંગ્રેસ સાંસદ સુખદેવ ભગતે BAC બેઠકમાં જેપી નડ્ડા અને રિજિજુ ઉપસ્થિત ન રહેતાં અનેક સવાલો ઉઠાવ્યા હતા. ANIના રિપોર્ટ અનુસાર, સુખદેવ ભગતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિશે કહ્યું હતું કે, તેમના રાજીનામાની પટકથા પહેલાંથી જ લખાઈ ગઈ હતી. સદનમાં જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, મારા શબ્દ રૅકોર્ડમાં નોંધાશે, જે સીધે સીધું સભાપતિનું અપમાન છે.


