Updated: Sep 22nd, 2022
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૨
ભારતીય જનતા પાર્ટીએ ચાલુ વર્ષની શરૃઆતમાં યોજાયેલ પાંચ
રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર પાછળ ૩૪૦ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો હતો જ્યારે
કોંગ્રેસે આ પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પાછળ ૧૯૪ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો હતો.
આ માહિતી બંને પક્ષોના ચૂંટણી ખર્ચ રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે.
ભાજપ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા રિપોર્ટ
અનુસાર પક્ષે ચાલુ વર્ષની શરૃઆતમાં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબ
વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રચાર માટે ૩૪૦ કરોડ રૃપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો.
ભાજપના રિપોર્ટ અનુસાર તેણે ઉત્તર પ્રદેશની વિધાનસભા
ચૂંટણીમાં પ્રચાર પાછળ ૨૨૧ કરોડ રૃપિયા,
મણિપુરમાં ૨૩ કરોડ રૃપિયા,
ઉત્તરાખંડમાં ૪૩.૬૭ કરોડ રૃપિયા,
પંજાબમાં ૩૬ કરોડ રૃપિયા અને ગોવામાં ૧૯ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો હતો.
કોંગ્રેસે રજૂ કરેલા રિપોર્ટ અનુસારર તેણે પાંચ રાજ્યોની
વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર પાછળ ૧૯૪ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો હતો. ઉલ્લેખનીય છે
કે કોંગ્રેસ અને ભાજપને રાષ્ટ્રીય પક્ષોનો દરજજો મળેલ છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડતા પક્ષોને
ચૂંટણી પંચ સમક્ષ નિયત સમયર્યાદામાં ચૂંટણી ખર્ચ રિપોર્ટ જમા કરાવવાનું હોય છે.