પદયાત્રા માટે રાહુલ ગાંધીએ 41000ની ટી શર્ટ પહેરી હોવાનો ભાજપનો આરોપ, કોંગ્રેસે 10 લાખનો સુટ યાદ કરાવ્યો
નવી દિલ્હી,તા.9 સપ્ટેમ્બ 2022,શુક્રવાર
ભારત જોડો યાત્રા પર નીકળેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 150 દિવસ માટે સમગ્ર ભારતમાં ફરવાના છે.
જોકે રાહુલ ગાંધીની યાત્રાને લઈને હવે ભાજપે નવો વિવાદ ઉભો કર્યો છે.ભાજપે આરોપ મુકયો છે કે, રાહુલ ગાંધીએ જે ટી શર્ટ પહેરી છે તે 41000 રૂપિયાની છે.આ સાથે ભાજપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રાહુલે પહેરેલી બ્રાન્ડેડ ટી શર્ટ અને આ ટી શર્ટની ઓનલાઈન કિંમતનો સ્ક્રીન શોટ શેર કર્યો છે.ભાજપનો આરોપ છે કે, આ ટી શર્ટ 410000 રૂપિયાની છે. સાથે સાથે ભાજપે ટોણો માર્યો છે કે ..ભારત, દેખો.....
બીજી તરફ કોંગ્રેસે પલટવાર કરતા કહ્યુ છે કે, અરે ભાજપવાળા તમે ગભરાઈ ગયા શું?ભારત યાત્રામાં ઉમટી પડેલી જન મેદની જોઈને આ ગભરાટ થઈ રહ્યો લાગે છે.મુદ્દાની વાત કરો.મોંઘવારી અને બેરોજગારી પર વાત કરો.બાકી કપડા પર ચર્ચા કરવી હોય તો મોદીજીના 10 લાખના સુટ અને 1.5 લાખના ચશ્મા સુધી પણ વાત જશે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ કહ્યુ હતુ કે, પીએમ મોદીના સુટ અને ચશ્માને લોકોએ જોયા છે. ભારત જોડો યાત્રા..થી ભાજપમાં ગભરાટ દેખાઈ રહ્યો છે.
કોંગ્રેસના નેતા અલકા લાંબાએ કહ્યુ હતુ કે, પોતાને ફકીર કહેનાર વ્યક્તિ 10 લાખનો સુટ પહેરીને લોકોને મૂર્ખ બનાવતો હતો. કોંગ્રેસે સુટ ઉતારાવ્યો તેનો ચચરાટ હજી પણ દેખાઈ રહ્યો છે.રાહુલ ગાંધી પર વ્યક્તિગત હુમલા કરવાથી તેમને કોઈ ફરક પડવાનો નથી.
આ પહેલા સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના શૂઝની પણ ચર્ચા થઈ હતી અને એવુ કહેવાયુ હતુ કે, રાહુલ ગાંધીએ પદયાત્રા માટે પહેરેલા શુઝ પણ 15000 રૂપિયાના છે.