Explainer: મિનરલ વોટરમાં કેન્સરકારક રસાયણોનો વિવાદ, જાણો પાણીની પસંદગી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bisleri's scare shakes a $4B water market : ભારતમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ મુસાફરી દરમિયાન શુદ્ધ પાણીની બોટલ માંગે છે, ત્યારે સૌથી પહેલું નામ 'બિસ્લેરી'નું જ આવે છે. દાયકાઓથી આ બ્રાન્ડ શુદ્ધતા અને વિશ્વાસનો પર્યાય બની ચૂકી છે. પરંતુ તાજેતરમાં ભારતના ખાદ્ય સુરક્ષા નિયમનકાર ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI) દ્વારા બિસ્લેરી સામે કાયદેસરની કાર્યવાહીને મંજૂરી આપવામાં આવતા આ વિશ્વાસ પર શંકાના ઘેરા વાદળો છવાઈ ગયા છે. પાણીના એક નમૂનામાં કેન્સરનું જોખમ વધારતા રસાયણો મળી આવતા ફક્ત બિસ્લેરી જ નહીં, $4 બિલિયનનો સમગ્ર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઉદ્યોગ તપાસના દાયરામાં આવી ગયો છે.
બિસ્લેરી સામે કાર્યવાહી શા માટે?
બિસ્લેરી કંપનીના આખા દેશમાં 143 પ્લાન્ટ્સ છે. ગોવા ખાતેના પ્લાન્ટમાં 27 સપ્ટેમ્બર 2025ના રોજ તૈયાર થયેલા માત્ર એક બેચ (Batch GO 270)ના પાણીનો એક નમૂનો પરીક્ષણમાં 'અસુરક્ષિત' જણાયો હતો. FSSAIના જણાવ્યા મુજબ, આ નમૂનામાં 'બ્રોમેટ' (Bromate)નું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હતું, જેના કારણે તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો.
કંપનીએ આ તારણ સામે અપીલ કરી હતી, જેના પગલે નમૂનાને 'રેફરલ ફૂડ લેબોરેટરી'માં મોકલવામાં આવ્યો. ત્યાં પણ નમૂનામાં 'પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ' (PAHs) મળી આવતા તેને અસુરક્ષિત જાહેર કરાયો. ત્યારબાદ FSSAIએ બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સામે કાર્યવાહી (પ્રોસિક્યુશન) કરવાની મંજૂરી આપી.

આ રસાયણો કેમ જોખમી છે?
- બ્રોમેટ અને PAHs બંને 'કાર્સિનોજેન્સ' છે, એટલે કે તે લાંબા ગાળે કેન્સરનું જોખમ પેદા કરી શકે છે અથવા વધારી શકે છે.
- પાણીને જંતુમુક્ત કરવા માટે ઓઝોન (Ozone)નો ઉપયોગ થાય છે અને તે પાણીમાં રહેલા બ્રોમાઈડ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે બ્રોમેટ બને છે.
- PAHs એ કોલસો, તેલ કે લાકડાના અપૂર્ણ દહનમાંથી બનતા રાસાયણિક સંયોજનો છે.
બિસ્લેરી સહિતની કંપનીઓનો બચાવ
આ વિવાદ વધતા બિસ્લેરીએ સોમવાર, 23 નવેમ્બરે સત્તાવાર નિવેદન બહાર પાડીને દાવો કર્યો કે તેનું પાણી પીવા માટે સંપૂર્ણપણે સલામત છે. જો કે, બોટલ્ડ વોટર વેચતી મોટ ભાગની કંપનીઓની મુખ્ય દલીલો પણ કંઈક આવી જ હોય છે. જેમ કે…
- એક જ બેચનો મામલો: કંપની વર્ષે 50,000થી વધુ બેચનું ઉત્પાદન કરે છે. આ વિવાદ ગોવા ખાતેના પ્લાન્ટમાં તૈયાર થયેલા માત્ર એક બેચ સાથે જોડાયેલો છે. હાલમાં આ વિવાદિત બેચનો કોઈ સ્ટોક બજારમાં ઉપલબ્ધ નથી.
- પરીક્ષણમાં વિસંગતતા: 30 સપ્ટેમ્બર 2025ના રોજ FSSAIએ ગોવા પ્લાન્ટમાંથી 6 નમૂના લીધા હતા. તેમાંથી 5 નમૂના તમામ માપદંડો પર ખરા ઉતર્યા, જ્યારે છઠ્ઠા નમૂનામાં બ્રોમેટનું પ્રમાણ પ્રતિ લિટર 12 માઇક્રોગ્રામ મળ્યું. નિર્ધારિત મર્યાદા 10 માઇક્રોગ્રામ છે.
- અપીલ અને રેફરલ લેબનો રિપોર્ટ: રેફરલ લેબોરેટરીએ પણ પેલા નમૂનાને અસુરક્ષિત જાહેર કર્યો, પરંતુ આ વખતે તેમાં બ્રોમેટનું પ્રમાણ મર્યાદામાં જ જોવા મળ્યું. જોકે, તેમાં PAHsની હાજરી (0.144 માઇક્રોગ્રામ પ્રતિ લિટર) જોવા મળી હતી. આ જ બેચના અન્ય એક નમૂનાએ તમામ પરીક્ષણો પાસ કર્યા હતા.
- સંવાદનો અભાવ: પરિણામોમાં રહેલી આ વિસંગતતાને કારણે બિસ્લેરીએ FSSAI માન્ય અન્ય એક પ્રયોગશાળામાં તે જ નમૂનાનું પરીક્ષણ કરાવ્યું, જ્યાં બ્રોમેટ મર્યાદામાં જ જણાયું. કંપનીએ ફેબ્રુઆરી 2026માં આ રિપોર્ટ FSSAIની પશ્ચિમ પ્રાદેશિક કચેરીને મોકલી આપ્યો હતો અને PAHsના ફરી પરીક્ષણની માંગ કરી હતી. ત્યારબાદ કોઈ પ્રતિક્રિયા ન મળતા કંપનીએ માની લીધું હતું કે મામલો પૂરો થઈ ગયો છે.
- ગુણવત્તાનો દાવો: બિસ્લેરીએ ભારપૂર્વક કહ્યું કે તેઓ 10-તબક્કાની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન 90થી વધુ ગુણવત્તા પરીક્ષણો કરે છે.
કંપનીને આ ખામીનું મૂળ કારણ શોધવા જણાવાયું
23 નવેમ્બરે FSSAIએ સ્પષ્ટતા કરી કે કાયદા મુજબ અપીલના કિસ્સામાં રેફરલ લેબનો રિપોર્ટ અંતિમ ગણાય છે, જે મુજબ બ્રોમેટ મર્યાદામાં હતું, પણ PAHsની હાજરી તો હતી જ. કંપનીને આ ખામીનું મૂળ કારણ (Root Cause Analysis) શોધીને રજૂ કરવા જણાવાયું છે.
શું લોકોનો વિશ્વાસ ડગમગી જશે?
આ અહેવાલો બાદ સામાન્ય ગ્રાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
- પુણેના એક નાગરિકે કટાક્ષ કરતા કહ્યું કે, ‘વર્ષોથી ટ્રેનની મુસાફરીમાં હું હંમેશાં તપાસતો કે બોટલ અસલી 'Bisleri' છે કે નકલી 'Bislery' કે 'Besleri'. હવે તો લાગે છે કે સમસ્યા અસલી બ્રાન્ડમાં જ છે!’
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પણ એક યુઝરે FSSAIને ટેગ કરીને પૂછ્યું કે, ‘મારી પાસે બિસ્લેરીની બોટલો પડી છે. જણાવો કે હું તે પીઉં કે નહીં?’
બજારમાં પણ તેની અસર દેખાવા લાગી છે. એકવાર વિશ્વાસ ડગી જાય પછી લોકો ખરીદી કરતા પહેલા બે વાર વિચારે છે. ગ્રાહકો અત્યારથી જ પાણીની અન્ય બ્રાન્ડ્સ વિશે પૂછપરછ કરવા લાગ્યા છે.
બિસ્લેરીની પ્રતિષ્ઠાને નુકસાન
બ્રાન્ડ નિષ્ણાતો પણ માને છે કે આ વિવાદ બિસ્લેરીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. બિસ્લેરી જેવી પ્રતિષ્ઠા રાતોરાત નથી બનતી, તેમાં વર્ષોની જાહેરાતો અને વિશ્વાસ લાગ્યો છે. સામાન્ય માણસને બ્રોમેટ કે PAHs જેવા ટેકનિકલ શબ્દો ન સમજાય, પરંતુ સુરક્ષા પર ઉઠેલા સવાલો તેમને બીજી બ્રાન્ડ તરફ વાળી શકે છે.

સમગ્ર પેકેજ્ડ વોટર ઉદ્યોગ પર કેવી અસર?
બિસ્લેરી સામેની કાર્યવાહી ભારતના સમગ્ર પેકેજ્ડ વોટર માર્કેટ માટે મોટો ફટકો છે, કારણ કે આ ક્ષેત્રમાં બિસ્લેરીનો દબદબો છે.
બિસ્લેરી (Bisleri): 36%
એક્વાફિના (Aquafina): 20%
કિનલી (Kinley): 15%
અન્ય નાની અને અનબ્રાન્ડેડ કંપનીઓ: 29%
અન્ય બ્રાન્ડ્સના નમૂના પણ તપાસાશે
હવે તપાસ માત્ર બિસ્લેરી પૂરતી સીમિત નથી રહી. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, સમગ્ર ઉદ્યોગ તપાસના દાયરામાં છે; FSSAI દેશભરમાંથી બિસ્લેરી સહિત અન્ય તમામ કંપનીઓના નમૂનાઓનું પરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે FSSAIએ ઓક્ટોબર 2024માં પેકેજ્ડ પાણીને 'હાઈ-રિસ્ક ફૂડ' (High-Risk Food)ની શ્રેષ્ઠ શ્રેણીમાં મૂક્યું હતું અને 1 જાન્યુઆરી 2026થી માસિક, ત્રિમાસિક અને છમાસિક પરીક્ષણોના કડક નિયમો લાગુ કર્યા છે.
તો મિનરલ વોટર વધુ સુરક્ષિત કે સામાન્ય પાણી?
આ વિવાદ વચ્ચે લોકોમાં એક મોટો પ્રશ્ન એ પણ ઉઠ્યો છે કે શું બોટલબંધ મિનરલ વોટર સામાન્ય પાણી કરતાં વધુ સારું છે? આ સવાલનો જવાબ મેળવવા નીચેના મુદ્દા સમજી લેવા જોઈએ.
- બંને વચ્ચેનો તફાવત: મિનરલ વોટર અને નિયમિત પીવાના પાણી વચ્ચે મુખ્ય તફાવત તેમના સ્ત્રોત, ખનિજ તત્વો અને શુદ્ધિકરણની પ્રક્રિયાનો છે. કુદરતી મિનરલ વોટર સંરક્ષિત ભૂગર્ભ સ્ત્રોતોમાંથી આવે છે, જેમાં કુદરતી રીતે જ કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ અને બાયકાર્બોનેટ જેવા ખનિજો હોય છે. બીજી તરફ, મ્યુનિસિપલ સપ્લાય કે બોરવેલનું સામાન્ય પાણી ફિલ્ટરેશન, જંતુનાશક પ્રક્રિયા કે રિવર્સ ઓસ્મોસિસ (RO) દ્વારા શુદ્ધ કરાય છે, જેમાં કેટલાક ખનિજો જળવાઈ રહે છે અને કેટલાક દૂર થઈ જાય છે.
- પેકેજ્ડ વોટર એટલે મિનરલ વોટર નહીં: આપણે જે બોટલબંધ પાણી ખરીદીએ તે મોટાભાગે 'પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર' હોય છે, 'કુદરતી મિનરલ વોટર' નહીં. પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરને વ્યાપકપણે શુદ્ધ કરીને તેમાં કૃત્રિમ રીતે ખનિજો ઉમેરવામાં (રિમિનરલાઇઝેશન) આવે છે.
- સ્વાસ્થ્ય માટે કયું સારું? જો બંને પ્રકારનું પાણી સુરક્ષાના માપદંડો પર ખરું ઉતરતું હોય, તો શરીરને હાઇડ્રેટ રાખવામાં બંને સમાન રીતે કામ કરે છે. માનવ શરીરને ઇલેક્ટ્રોલાઇટ સંતુલન માટે મિનરલ વોટરની અનિવાર્ય જરૂર હોતી નથી કારણ કે મોટાભાગના ખનિજો આપણને સંતુલિત આહારમાંથી મળી રહે છે. હા, મિનરલ વોટરમાં રહેલું કેલ્શિયમ (હાડકાં અને સ્નાયુઓના સંકોચન માટે) અને મેગ્નેશિયમ (સ્નાયુઓના કાર્ય, ચેતા પ્રસારણ અને ઊર્જા ચયાપચય માટે) દૈનિક જરૂરિયાતમાં નજીવું યોગદાન આપી શકે છે.
- વધુ ખનિજો હંમેશાં ફાયદાકારક નથી: કેટલાક મિનરલ વોટરમાં સોડિયમનું પ્રમાણ ઊંચું હોઈ શકે છે, જે હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન), કિડનીના રોગ અથવા ઓછું સોડિયમ લેવાની સલાહ ધરાવતા દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
નોંધનીય છે કે, પાણી પર 'મિનરલ વોટર'નું લેબલ છે કે તે સામાન્ય પાણી છે, તેના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તે હાનિકારક સૂક્ષ્મજીવો, રાસાયણિક દૂષકો અને ભારે ધાતુઓથી મુક્ત હોય. મોટાભાગના સ્વસ્થ લોકો માટે વિશ્વસનીય સ્ત્રોતનું સુરક્ષિત પાણી, પૂરતું હાઇડ્રેશન અને સંતુલિત આહાર એ જ સારા સ્વાસ્થ્યની સાચી ચાવી છે.




