સમગ્ર દેશમાં એક ઓક્ટોબરથી જન્મ-મૃત્યુ (સંશોધન) કાયદો, ૨૦૨૩ અમલમાં
ફક્ત જન્મ પ્રમાણપત્રથી સ્કૂલમાં એડમિશન, ડ્રાઇવિંગ લાયન્સ, મતદાન કાર્ડ, આધાર કાર્ડ, લગ્ન રજિસ્ટ્રેશન થઇ જશે
રજિસ્ટ્રાર જનરલ સેન્સસ કમિશનરે જારી કરેલુ નોટિફિકેશન
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪
જન્મ અને મૃત્યુ (સંશોધન) કાયદો, ૨૦૨૩ એક ઓક્ટોબર, ૨૦૨૩થી સમગ્ર
દેશમાં અમલમાં આવી રહ્યો છે. આ કાયદો અમલમાં આવતા જન્મના પ્રમાણપત્રનું મહત્ત્વ
ખૂબ જ વધી જશે.
આ સિંગલ ડોક્યુમેન્ટની મદદથી તમે ઘણા કાર્યો જેવા કે સ્કૂલ
કોલેજમાં એડમિશન, ડ્રાઇવિંગ
લાયસન્સ માટે એપ્લીકેશન, મતદાર યાદીમાં
નામ દાખલ કરાવવા, આધાર
રજિસ્ટ્રેશન, લગ્ન
રજિસ્ટ્રેશન તથા સરકારી નોકરીમાં અરજી માટે કરી શકશો.
ઉલ્લેખનીય છે કે આ બિલ લોકસભામાં એક ઓગસ્ટ, ૨૦૨૩ અને
રાજ્યસભામાં સાત ઓગસ્ટ, ૨૦૨૩ના
રોજ પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ આ
બિલને મંજૂરી આપી હતી.
ત્યારબાદ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર મૃત્યુન્જય
કુમાર નારાયણે આ અંગેનું નોટિફિકેશન જારી કર્યુ છે.
જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર પાછળનું
મુખ્ય કારણ કેન્દ્ર અને રાજ્ય સ્તરે જન્મ
અને મૃત્યુનો ડેટાબેઝ તૈયાર કરી શકાય. આનાથી સમગ્ર દેશમાં જન્મ અને મૃત્યુનું
નેશનલ ડેટાબેઝ તૈયાર કરવામાં મદદ મળશે તથા રાશન કાર્ડ, વોટર આઇડી કાર્ડ
જેવા ડેટા બેઝ તૈયાર કરવામાં મદદ મળશે.