ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશેઃ PM મોદી
India Mauritius Trade Deal: ભારત અને મોરિશિયસ ટૂંકસમયમાં લોકલ કરન્સી(સ્થાનિક ચલણ)માં વેપાર કરી શકશે. બંને દેશો વચ્ચે આર્થિક અને નાણાકીય સંબંધોને વધુ ગાઢ બનાવતા આ પગલું લેવામાં આવ્યું હોવાનું વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે.
વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી. જેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મામલે વિવિધ ચર્ચા થઈ હતી. બંને દેશોએ પોતાના સ્થાનિક ચલણમાં વેપારને મંજૂરી આપવા સહમતિ દર્શાવી હતી. બંને દેશોના વડાએ ચાગોસ કરાર સંપન્ન થવા પર શુભકામના પાઠવી હતી. મોરિશિયસ વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ ભારતની મુલાકાતે છે. વારાણસીમાં તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ગતવર્ષે મોરિશિયસમાં યુપીઆઇ અને રૂપે કાર્ડ સર્વિસ શરુ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બંને દેશોના નાગરિકો અને વેપારીઓ સરળતાથી સ્થાનિક ચલણમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે.
ગ્રોથ માટે ખાસ આર્થિક પેકેજ
વડાપ્રધાન મોદીએ ખાસ આર્થિક પેકેજ રજૂ કર્યું છે. આ પેકેજ હેઠળ 500 બેડની સર સીવુસગુર રામગુલમ નેશનલ હૉસ્પિટલ, વેટરનિટી સ્કૂલ અને એનિમલ હૉસ્પિટલ અને આયુષ સેન્ટર ઑફ એક્સેલન્સ સહિતના પ્રોજેક્ટમાં ફંડ ફાળવશે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની સાથે રોજગારીની તકોનું સર્જન કરશે. જે હેલ્થકેર સુવિધામાં સુધારો કરશે.
એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશીપ
બંને દેશો વચ્ચે એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશીપ પણ છે. ભારત મોરિશિયસને 100 ઈલેક્ટ્રિક બસ ફાળવવાનું છે. જેમાંથી 10 બસનો સપ્લાય થઈ ચૂક્યો છે. વડાપ્રધાન મોદીએ ટમરિન્ડ ફોલ્સ ખાતે 17.5 મેગાવોટ ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા આર્થિક સહાય આપવાની ખાતરી પણ આપી છે.