પાકિસ્તાન પીઓકે ખાલી કરે પછી જ દ્વિપક્ષીય વાટાઘાટો : વિદેશ મંત્રાલય
- વેપાર નહીં કરવાની ધમકી આપી યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો ભારતે ફગાવ્યો
- ઓપરેશન સિંદૂર પછી દુનિયાના નેતાઓ સાથે માત્ર સૈન્ય સ્થિતિ અંગે જ વાત થઈ, ટ્રમ્પ સાથે વેપાર અંગે કોઈ વાત થઈ નથી
- પાંક.આતંકવાદનું સમર્થન બંધ ના કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિનો અમલ નહીં થાય : વિદેશ મંત્રાલય
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને વેપાર બંધ કરવાની ધમકી આપીને પરમાણુ યુદ્ધ ટાળ્યું હોવાનો સોમવારે દાવો કર્યો હતો. જોકે, ભારત સરકારે મંગળવારે ટ્રમ્પના દાવાઓને નકારી કાઢ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે, અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે શનિવારે સવારે વડાપ્રધાન મોદી સાથે વાત કરી ત્યારે વેપાર મુદ્દે કોઈ વાત થઈ નહોતી. વધુમાં પાકિસ્તાન સાથે તટસ્થ સ્થળ પર દ્વિપક્ષીય વાટાઘાટો અંગે વિદેશ મંત્રાલયે અમેરિકાને ચોપડાવી દીધું હતું કે, પાકિસ્તાન પીઓકે ખાલી કરે પછી જ તેની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવામાં આવશે. કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નથી.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહી કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. ત્યાર પછી શનિવારે બંને દેશ યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયા હતા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંઘર્ષ વિરામનો શ્રેય લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા તૈયાર છે તેવા અહેવાલો અંગે પૂછવામાં આવતા આ સંદર્ભમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે જણાવ્યું હતું કે, પાકિસ્તાને ગેરકાયદે રીતે પચાવી પાડેલા કાશ્મીરના ભાગ પીઓકેને ખાલી કરવો જ પડશે. ભારતની આ નીતિ શરૂઆતથી જ રહી છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે એમ પણ કહ્યું કે, ૧૦ મેને શનિવારે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓનો સંપર્ક કરીને સંઘર્ષ વિરામની તૈયારી દર્શાવી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે સંઘર્ષ અટક્યો હતો.
જયસ્વાલે કહ્યું કે, પાકિસ્તાનના ડીજીએમઓએ ૧૨.૩૭ કલાકે ભારતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ટેકનિકલ કારોણોસર હોટલાઈનના માધ્યમથી ભારતનો સંપર્ક કરી શકતા નહોતા. તેથી બપોરે ૩.૩૫ કલાકે ભારતીય ડીજીએમઓ સાથે તેમની વાતચીતની નિશ્ચિત કરાઈ હતી.
ભારતે સ્પષ્ટ કર્યું કે, સંઘર્ષ વિરામ કરવો એ પાકિસ્તાનની મજબૂરી હતી, કારણ કે શનિવારે સવારે જ ભારતીય એરફોર્સે પાકિસ્તાનના મુખ્ય એરબેઝ પર અસાધારણ રીતે હુમલો કરીને તેને મોટું નુકસાન પહોંચાડયું હતું. ભારતીય સૈન્ય દળોની તાકાતના કારણે પાકિસ્તાને ગોળીબાર અને સૈન્ય કાર્યવાહી રોકવા માટે મજબૂર થવું પડયું હતું.
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, અન્ય દેશો સાથે વાતચીતમાં ભારતે એક જ સંદેશ આપ્યો હતો કે તે ૨૨ એપ્રિલના આતંકી હુમલાના જવાબમાં માત્ર આતંકી માળખાઓને જ નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાની સૈન્ય ગોળી ચલાવશે તો ભારતીય સૈન્ય પણ જવાબ આપશે. પાકિસ્તાન રોકાઈ જશે તો ભારત પણ રોકાઈ જશે. મંગળવારે રાતે ૧.૦૦ વાગ્યે ઓપરેશન સિંદૂર શરૂ થતાની સાથે જ પાકિસ્તાનને આ સંદેશો આપી દેવાયો હતો.
તેેમણે ઉમેર્યું કે, ૭મેથી ૧૦ મે સુધી ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત-અમેરિકાના નેતાઓ વચ્ચેની વાતચીત માત્ર સૈન્ય સ્થિતિ પર થઈ હતી, વેપાર સંબંધિત કોઈ મુદ્દો ચર્ચાયો જ નહોતો.
આ સિવાય વિદેશ મંત્રાલયે કહ્યું કે, જે દેશ દાયકાઓથી આતંકવાદનો ઉદ્યોગની જેમ ઉછેર કરી રહ્યું છે, તે એમ વિચારતો હોય કે તે તેના પરિણામોથી બચી જશે તો તે પોતાની જાતને છેતરી રહ્યો છે. જે આતંકી માળખાનો ભારતે નાશ કર્યો છે તે માત્ર ભારતીય નાગરિકો જ નહીં પરંતુ દુનિયાના અનેક નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર હતા. હવે એક ન્યૂ નોર્મલ સ્થાપિત થઈ ગયું છે અને પાકિસ્તાન જેટલી ઝડપથી તેને સ્વીકારે તેના માટે તેટલું સારું હશે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ પારસ્પરિક વિશ્વાસ અને સદ્ભાવના આધાર પર થઈ હતી, પરંતુ પાકિસ્તાને લાંબા સમયથી સરહદ પર આતંકવાદને સમર્થન આપીને ભારત સાથેના તેના સંબંધો નબળા કર્યા છે. પહલગામમાં ૨૨ એપ્રિલે આતંકી હુમલા પછી ૨૩ એપ્રિલે યોજાયેલી કેબિનેટની સુરક્ષા સમિતિના નિર્ણય મુજબ ભારતે સ્પષ્ટ નિર્ણય કર્યો છે કે પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરવાનું સ્થાયીરૂપે બંધ નહીં કરે ત્યાં સુધી ભારત આ સંધિનો અમલ નહીં કરે.