છત્તીસગઢમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 8ના મોત, અનેક ઈજાગ્રસ્ત; ગેસ કટર મશીનની મદદથી મુસાફરોનું રેસ્ક્યૂ

Bilaspur Train Accident: છત્તીસગઢમાં બિલાસપુરમાં મંગળવારે(4 નવેમ્બર) માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભીષણ અકસ્માતના કારણે ગંભીર અકસ્માત સર્જાયો. જેમાં 8 મુસાફરોના મૃત્યુ થયા છે જ્યારે 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ટક્કર એટલી ભયાનક હતી કે પેસેન્જર ટ્રેનનો એક કોચ માલગાડીની ઉપર ચડી ગયો. અકસ્માત બિલાસપુર સ્ટેશનની પાસે જ સાંજે 4 વાગ્યે સર્જાયો હતો.ટ્રેન અકસ્માતના સ્થળે NDRF, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે બચાવ કામગીરી હાથ ધરી છે.
ટ્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન
ટક્કર બાદ ટ્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગેસ કટર મશીનની મદદથી ટ્રેનનો હિસ્સો કાપીને મુસાફરોને કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. રેલવેના સત્તાવાર નિવેદન અનુસાર ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.
પેસેન્જર ટ્રેને સિગ્નલ તોડી માલગાડીને ટક્કર મારી
અકસ્માતનું કારણ તો ગહન તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ પ્રાથમિક જાણકારી અનુસાર પેસેન્જર ટ્રેને સિગ્નલ તોડ્યું હતું જેના કારણે પાટા પર ઊભેલી માલગાડી સાથે ટક્કર થઈ ગઈ. ટ્રેને સિગ્નલ કેમ તોડ્યું તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
અનેક ટ્રેનોના રૂટ બદલાયા
હાલ આ રૂટ પર ટ્રેનોનું સંચાલન ઠપ થઈ ગયું છે. આ રૂટ પર સંચાલિત અનેક એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનના રૂટ ડાયવર્ટ અથવા તો રદ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં પેસેન્જર ટ્રેનના આગલા હિસ્સાનું કચ્ચરઘાણ થયુ છે.
રેલવે વિભાગ દ્વારા મુસાફરો તથા તેમના પરિજનો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
ચંપા જંકશન: 808595652
રાયગઢ: 975248560
પેન્ટ્રા રોડ: 8294730162
ઈમરજન્સી હેલ્પલાઈન નંબર: 9752485499, 8602007202

