‘આધાર કાર્ડ મતદાર યાદી માટે માન્ય ઓળખ પત્ર, પરંતુ નાગરિકતા માટે નહીં’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા
Bihar SIR Case : બિહારમાં SIR એટલે કે મતદાર યાદી સુધારણા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવાણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટો સ્પષ્ટ કહ્યું છે કે, આધાર કાર્ડ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે એક માન્ય ઓળખ પત્ર છે, પરંતુ તેને નાગરિકતાનો પુરાવો ન ગણી શકાય. કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે, હવેથી આધાર કાર્ડને મતદાર નોંધણી માટેના 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં આવે. આ ચુકાદાથી મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.
‘ચૂંટણી પંચને આધાર કાર્ડની માન્યતા અને સત્યતા ચકાસવાનો સંપૂર્ણ અધિકાર’
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, ચૂંટણી પંચે તેના તમામ અધિકારીઓને નિર્દેશો જારી કરવા પડશે કે તેઓ મતદાર નોંધણી માટે આધાર કાર્ડને સ્વીકારે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘ચૂંટણી પંચને આધાર કાર્ડની માન્યતા અને સત્યતા ચકાસવાનો સંપૂર્ણ અધિકાર છે. માત્ર વાસ્તવિક નાગરિકોને જ મતદાન કરવાની મંજૂરી હોવી જોઈએ. નકલી દસ્તાવેજોના આધારે મતદાર યાદીમાં પ્રવેશ મેળવનારાઓને બહાર રાખવામાં આવે.’
‘પંચ દ્વારા માન્ય ગણાયેલા 11 દસ્તાવેજો નાગરિકતાનો પુરાવો નથી’
આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, પાસપોર્ટ અને જન્મ પ્રમાણપત્ર સિવાય, ચૂંટણી પંચ દ્વારા માન્ય ગણવામાં આવેલા અન્ય 11 દસ્તાવેજો પણ નાગરિકતાનો પુરાવો નથી. આ દસ્તાવેજોમાં સરકારી કર્મચારીઓના ઓળખપત્રો, શૈક્ષણિક પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે. કોર્ટના આ સ્પષ્ટીકરણથી દસ્તાવેજોની ભૂમિકાને લઈને ચાલતી મૂંઝવણનો અંત આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં કેમ પહોંચ્યો મામલો?
આ મામલો રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને અન્ય અરજદારો દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જેમણે માંગ કરી હતી કે, આધાર કાર્ડના આધારે લોકોને મતદાર યાદીમાં સામેલ કરવામાં આવે. આરજેડી તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દાવો કર્યો હતો કે, અગાઉના સુપ્રીમ કોર્ટના નિર્દેશો છતાં બૂથ લેવલ અધિકારીઓ આધાર કાર્ડ સ્વીકારી રહ્યા ન હતા. તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચે તેના અધિકારીઓ માટે સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા ન હતા, જેના કારણે આ સમસ્યા સર્જાઈ હતી.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી હવે મતદારો પાસે મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે એક વધુ વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે. હવે આધાર કાર્ડ, પાસપોર્ટ, સરકારી આઇડી કાર્ડ, પેન્શન દસ્તાવેજો, જન્મ પ્રમાણપત્ર અને અન્ય માન્ય દસ્તાવેજોની સાથે 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં આવશે. આ નિર્ણય મતદાર નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યાપક બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : નેપાળમાં Gen-Z આંદોલનમાં હિંસા: 20ના મોત, 100 ઈજાગ્રસ્ત; PMના રાજીનામાંની માંગણી