India

બિહારના પરિણામ આશ્ચર્યજનક, ચૂંટણી પહેલેથી જ યોગ્ય રીતે થઈ ન હતી

By GS TEAM
15 Nov 20252 mins read
બિહારના પરિણામ આશ્ચર્યજનક, ચૂંટણી પહેલેથી જ યોગ્ય રીતે થઈ ન હતી

- રાહુલ ગાંધીએ સૌપ્રથમ વખત પ્રતિક્રિયા આપી

- આખી ચૂંટણીમાં વોટચોરીની વાત કરનારા રાહુલે પરિણામ પછી તેનો ઉલ્લેખ સુદ્ધા પણ ન કર્યો

નવી દિલ્હી : બિહાર ચૂંટણીના પરિણામને લઈને કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ સૌપ્રથમવખત પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ પરિણામ આશ્ચર્યજનક છે. બધાની કલ્પના બહારના પરિણામ છે. જો કે આ ચૂંટણી પહેલેથી જ યોગ્ય રીતે થઈ ન હતી. 

તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે એનડીએને ૨૪૩માંથી ૨૦૦ કરતાં વધુ બેઠકો મળી અને ઇન્ડિયા જોડાણને માંડ-માંડ ૩૫ બેઠક મળી તે વાત કલ્પવી અત્યંત અઘરી છે. જો કે અમારી સૌથી મોટી લડાઈ બંધારણ અને લોકશાહીને બચાવવાની છે.

જો કે આશ્ચર્યજનક વખતે આખી બિહારની ચૂંટણીમાં વોટચોરીનો મુદ્દો ઉઠાવનારા રાહુલ ગાંધીએ પરિણામપછી તેનો ઉલ્લેખ સુદ્ધા કર્યા ન હતો. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે બિહારના જે મતદારોએ ઇન્ડિયા જોડાણમાં વિશ્વાસ દર્શાવ્યો છે તેમનો હું આભાર માનું છું. બિહારની ચૂંટણીના આવેલા પરિણામ ખરેખર ચોંકાવનારા છે. બંધારણ અને લોકશાહીને બચાવવાની લડાઈ ચાલુ રહેશે. કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા જોડાણ પરિણામની સમીક્ષા કરશે અને વધુ અસરકારક રીતે લોકશાહીને બચાવવાના પ્રયત્નો કરશે, એમ તેમણે જણાવ્યું હતું. 

કોંગ્રેસ ૨૦૨૦માં ઇન્ડિયા જોડાણમાં ૭૦ બેઠક પર લડી હતી અને ૧૯ બેઠક પર જીતી હતી. આ વખતે ૬૧ બેઠક પર લડી હતી અને છ બેઠક પર જીતી છે. બિહારમાં તેનો ૧૯૮૦ પછીને સૌથી ખરાબ દેખાવ છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલ ગાંધીને નિવેદનને સમર્થન આપ્યું હતું.