Bihar Politics: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ(JDU)માં અંદરોઅંદર ડખા ઉભા થયા છે. જેમાં નીતિશ કુમાર માટે 'ભારત રત્ન'ની ડિમાન્ડ કરીને વરિષ્ઠ નેતા કેસી ત્યાગી પોતાની પાર્ટીમાં અલગ પડતાં જોવા મળી રહ્યા છે. જેને લઈને બિહારના રાજકારણમાં ગરમાવો છે. વાત એમ છે કે, કેસી ત્યાગીને વાતને લઈને તેમની પાર્ટીના નેતા સિવાય રાષ્ટ્રીય જનતા દળ (RJD) પણ વિરોધ કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, કેસી ત્યાગીને NDAના સાથી પક્ષ ભાજપ અને હિન્દુસ્તાની આવામ મોરચા તરફથી સમર્થન મળી રહ્યું છે.
નીતિશ કુમારને ભારત રત્ન આપવા કેસી ત્યાગીએ PM મોદીને લખ્યો પત્ર
કેસી ત્યાગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મુખ્યમંત્રી નીતિશ કુમારને ભારત રત્ન આપવાની માગ કરી છે. પત્રમાં તેમણે ચૌધરી ચરણ સિંહ અને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એનાયત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે નીતિશ કુમારને સમાજવાદી ચળવળના અમૂલ્ય રત્ન ગણાવ્યા હતા અને તેમને ભારત રત્ન એનાયત કરવાની માગ પણ કરી હતી. કેસી ત્યાગીએ પત્રમાં એમ પણ કહ્યું હતું કે, દેશના ઘણા મહાનુભાવોને જીવતા રહીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
JDUમાં જ અંદરોઅંદર ડખા
કેસી ત્યાગીની આ માગ મુદ્દે પાર્ટીના તમામ નેતા તેમની પાછળ પડ્યા છે. આ મામલે JDUના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે કહ્યું કે, 'કે.સી. ત્યાગીએ તાજેતરમાં આપેલા અનેક નિવેદનો પક્ષના સત્તાવાર વલણ અને નીતિઓ સાથે અસંગત છે. તેથી તેમના નિવેદનોને વ્યક્તિગત ગણવા. સૌથી અગત્યનું પક્ષના સભ્યો અને કાર્યકરો પણ જાણતા નથી કે તેઓ ખરેખર પક્ષમાં છે કે નહીં.'
JDUના અન્ય પ્રવક્તા નીરજ કુમારે કેસી ત્યાગીના નિવેદન સામે વાંધો ઉઠાવતા કહ્યું કે, 'કેસી ત્યાગી જે કહે છે તેનાથી જનતાને કોઈ ફરક પડતો નથી. નીતિશ કુમારનું વ્યક્તિત્ત્વ એટલું વિશાળ છે કે સંયુક્ત રાષ્ટ્રની ગોળમેજી બેઠકમાં કેસી ત્યાગીની માંગણીઓ પર પણ વિચાર કરવામાં આવ્યો ન હતો. નીતિશ કુમારનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું. તેમને મુફ્તી મોહમ્મદ સઈદ એવોર્ડ અને સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડ મળ્યો હતો. આ નીતિશ કુમારનું વિશાળ વ્યક્તિત્ત્વ છે. પુરસ્કારો તેમની પાછળ દોડે છે, નીતિશ કુમારનું વ્યક્તિત્ત્વ પુરસ્કારોનો પીછો કરતું નથી.'
નીતિશ કુમાર માટે ભારત રત્ન માગવા પાછળનું ગણિત
નીતિશ કુમાર માટે સમય-સમય પર ભારત રત્નની ડિમાન્ડ એટલાં માટે કરવામાં આવી છે કે, તેમને રાજનીતિમાંથી સંન્યાસ લેવડાવી શકાય. ભારત રત્ન દેશનું સર્વોચ્ચ સન્માન છે. છેલ્લા બે-અઢી વર્ષથી નીતિશ કુમારની તબિયતને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ સાથે તેમના રિટાયરમેન્ટની પણ વાત થઈ હોય છે. માનવામાં આવે છે કે, નીતિશ કુમાર રિટાયરમેન્ટ લેવાની સાથે બિહારમાં સંપૂર્ણ સત્તા ભાજપના હાથમાં આવશે. તેવામાં કેસી ત્યાગી દ્વારા આ પ્રકારની માગને વ્યક્તિગત સ્વાર્થ માનવામાં આવે છે. જ્યારે JDUના તમામ નેતા કોઈપણ પ્રકારે નીતિશ કુમારનું રિટાયરમેન્ટ ઈચ્છતા નથી. તેમને ખ્યાલ છે કે, નીતિશ કુમારના રિટાયરમેન્ટ પછી પાર્ટી કઈ મુશ્કેલીમાં પડી શકે છે. નેતાઓના નિવેદન વચ્ચે નીતિશ કુમારના સ્ટેન્ડની સૌકોઈ રાહ જોઈ રહ્યા છે.


