Get The App

મોકામાનો જંગ: મતદાન પહેલાં અનંત સિંહ જેલમાં, NDAના દિગ્ગજોએ મોરચો સંભાળ્યો

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
Mokama Election

Mokama Election: જન સુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યાના કેસમાં JDU ઉમેદવાર અનંત સિંહની ધરપકડ થતાં મોકામા વિધાનસભા બેઠકનો મુકાબલો રસપ્રદ બન્યો છે. અનંત સિંહ જેલમાં જતાં, હવે NDAના દિગ્ગજોએ મોરચો સંભાળ્યો છે. JDU નેતા અને કેન્દ્રીય મંત્રી લલન સિંહ પ્રચાર કરી રહ્યા છે અને તેમની સાથે આજે (3 નવેમ્બર) ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી રોડ શો કરી રહ્યા છે. લલન સિંહે કહ્યું છે કે અનંત સિંહને જેલમાં મોકલવા માટે ષડયંત્ર કરાયું છે અને દરેક કાર્યકર્તાએ હવે અનંત સિંહ બનીને ચૂંટણી લડવી પડશે, કારણ કે જવાબદારી વધી ગઈ છે.

બ્રિજભૂષણનું અનંત સિંહને સમર્થન

NDA ઉમેદવારો માટે પ્રચાર કરી રહેલા ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે અનંત સિંહને ખુલ્લેઆમ પોતાનું સમર્થન આપ્યું છે. તેમણે અનંત સિંહને નિર્દોષ ગણાવીને કહ્યું કે તેમના પર ખોટી FIR થઈ છે, જે એક ષડયંત્ર છે અને તેનો ફાયદો NDAને મળશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે અનંત સિંહની ધરપકડ સરકારે નહીં, પરંતુ FIRને કારણે થઈ છે અને હવે મોકામાની જનતા ચૂંટણી લડશે.

બિહાર પોલીસે અનંત સિંહની શનિવારે મોડી રાત્રે ધરપકડ કરી અને તેમને પટનાની બેઉર જેલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ ધરપકડ 30 ઓક્ટોબરે થઈ, જ્યારે જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શી માટે પ્રચાર કરી રહેલા દુલારચંદ યાદવ અને અનંત સિંહના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

દુલારચંદ યાદવના મૃત્યુનું કારણ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, હૃદય અને ફેફસાંને ઈજા થવાને કારણે તેમનું મૃત્યુ થયું. આ મામલે અનંત સિંહ મુખ્ય આરોપી છે અને પોલીસે 80થી વધુ લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: બિહારમાં પ્રિયંકા ગાંધીએ મહાગઠબંધનની ગેરંટીની યાદી આપી, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે

મોકામા ચૂંટણીની સ્થિતિ

આ બેઠક પર અનંત સિંહનો મુકાબલો પૂર્વ સાંસદ સૂરજભાન સિંહના પત્ની અને RJD ઉમેદવાર વીના દેવી સાથે છે. બંને પ્રભાવશાળી ભૂમિહાર સમુદાયમાંથી આવતા હોવાથી આ ચૂંટણી ધનબળ અને બાહુબળની બની ગઈ છે. અનંત સિંહ 2005થી સતત આ બેઠક પર જીતીને દબદબો જાળવી રાખ્યો હતો, જોકે 2022ની પેટાચૂંટણીમાં આ બેઠક RJD પાસે ગઈ હતી.

મોકામાનો જંગ: મતદાન પહેલાં અનંત સિંહ જેલમાં, NDAના દિગ્ગજોએ મોરચો સંભાળ્યો 2 - image