બિહારમાં ભાજપના મંત્રી નકલી દવાના કેસમાં દોષિત ઠર્યા, વિપક્ષે માગ્યું રાજીનામું
Images Sourse: FB |
Jivesh Kumar Fake Drug Case: બિહારની નીતિશ સરકારમાં ભાજપના મંત્રી જીવેશ કુમાર નકલી દવા કેસમાં દોષિત જાહેર થયા હતા. હવે વિપક્ષે તેમની સામે મોરચો માડ્યો છે. કોંગ્રેસે મંત્રી જીવેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. રાજસ્થાનની રાજસમંદ કોર્ટે ગયા મહિને તેમને 15 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જો કે, બાદમાં તેમને 7000 રૂપિયા દંડ ભરવા અને સારું વર્તન જાળવવાની શરતે મુક્ત કરાયા હતા.
ભાજપે જીવેશ કુમારને તાત્કાલિક પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ: કોંગ્રેસ
અહેવાલો અનુસાર, બિહારના શહેરી વિકાસ મંત્રી જીવેશ કુમારના રાજીનામાની માંગ કરતા, કોંગ્રેસ મીડિયા સેલના અધ્યક્ષ રાજેશ રાઠોડે કહ્યું કે, 'ભાજપે જીવેશ કુમારને તાત્કાલિક પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ. તેમના નકલી દવા નેટવર્કની તપાસ થવી જોઈએ.' પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે પણ મુખ્યમંત્રી નીતિશ કુમારને જીવેશ મિશ્રાને બરતરફ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: દેશ વિરુદ્ધ નફરત ફેલાવતા વીડિયો કે પોસ્ટ પર સકંજો કસાશે, ગૃહ મંત્રાલય લાવશે નવી પોલિસી!
નીતિશ કંઈ કહેવાની હિંમત કરી શકતા નથી: રોહિણી આચાર્ય
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ પણ નીતિશ સરકાર પર સવાલ ઉઠાવ્યા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું, 'આ એક લાચાર અને અચેત મુખ્યમંત્રીની સરકાર છે. એક નકલી દવાનો વેપારી પણ હજુ પણ મંત્રીની ખુરશી પર છે. નીતિશ કુમારને ખુરશી સાથે વળગી રહેવાની આદત છે, તેથી તે કંઈ કહેવાની હિંમત પણ કરી શકતા નથી, એક સાબિત થયેલા દોષિત મંત્રીને કેબિનેટમાંથી દૂર કરવાની તો વાત જ નહીં.'
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, સપ્ટેમ્બર 2010માં રાજસ્થાનના દેવગઢ (રાજસમંદ) સ્થિત કંસારા ડ્રગ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ કંપનીમાં નિરીક્ષણ દરમિયાન દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા. તેમને તપાસ માટે લેબમાં મોકલવામાં આવી ત્યારે સિપ્રોલિન-500 ટેબલેટ ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાની હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ દવાઓ અલ્ટો હેલ્થ કેર પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની અને બે અન્ય કંપનીઓ દ્વારા કંસારા ડ્રગ્સ ડિસ્ટ્રિબ્યુટર્સને સપ્લાય કરવામાં આવી હતી. જીવેશ કુમાર આ કંપનીના ડિરેક્ટર છે.