India

બિહારમાં SIR પ્રક્રિયા પછી ફાઇનલ મતદાર યાદી જાહેર, પટણામાં 1.63 લાખ મતદાર વધ્યા

By GS TEAM
30 Sep 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભામાં ચૂંટણી નજીક છે ત્યારે ચૂંટણી પંચે ફાઇનલ મતદાર યાદી જાહેર કરી દીધી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા પૂરી થયા પછી 30 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પંચે જાહેર કર્યું હતું કે, અમે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર ફાઇનલ મતદાર યાદી જાહેર કરી દીધી છે

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારમાં SIR પ્રક્રિયા પછી ફાઇનલ મતદાર યાદી જાહેર, પટણામાં 1.63 લાખ મતદાર વધ્યા

Bihar Election 2025: બિહાર વિધાનસભામાં ચૂંટણી નજીક છે ત્યારે ચૂંટણી પંચે ફાઇનલ મતદાર યાદી જાહેર કરી દીધી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા પૂરી થયા પછી 30 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પંચે જાહેર કર્યું હતું કે, અમે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર ફાઇનલ મતદાર યાદી જાહેર કરી દીધી છે. 

ચૂંટણી પંચના મતે, હવે કોઈ પણ મતદાર સત્તાવાર પોર્ટલ https://voters.eci.gov.in/ પર જઈને પોતાનું નામ અને વિગતો જોઈ શકે છે. મતદાર યાદીમાં નામ નોંધાતા જ મતદાનનો અધિકાર સુનિશ્ચિત થાય છે, એટલે ચૂંટણી પંચે તમામ લાયક નાગરિકોને તેમની વિગતો ચકાસી લેવાની અપીલ કરી છે. 

SIR પ્રક્રિયા હેઠળ નવા મતદારોના નામ પણ જોડવામાં આવ્યા છે. મૃતકો અને ડુપ્લિકેટ વિગતોને હટાવી દેવાઈ છે. આ ઉપરાંત જે મતદારોએ સ્થાનાંતરણ કર્યું છે, તેમના સરનામા પણ અપડેટ કરી દેવાયા છે. આ વખતે ચૂંટણી પંચે ટેકનિકલ સાધનોના ઉપયોગ પર ખાસ ભાર મૂક્યો છે, જેથી મતદારોને પારદર્શક અને સચોટ યાદી મળી શકે. 

પટણામાં ડ્રાફ્ટની તુલનામાં મતદાર વધ્યા

ફાઇનલ ડેટા પ્રમાણે, બિહારના પટણા જિલ્લામાં અત્યારે કુલ 48 લાખ, 15 હજાર અને 294 મતદાર છે. જ્યારે 1 ઑગસ્ટ 2025ના ડ્રાફ્ટ પ્રમાણે મતદાર યાદીમાં 46 લાખ, 51 હજાર, 694 મતદાર હતા. એક મહિના સુધી ચાલેલા દાવા અને સુધારા પ્રક્રિયા પછી પટણામાં કુલ 1 લાખ, 63 હજાર, 600 નવા મતદાર જોડવામાં આવ્યા છે. તેમાં નવા મતદારો જોડવાની સાથે ડુપ્લિકેટ અને ખામીયુક્ત મતદારોને હટાવી પણ દેવાયા છે. 

SIR પછી 65.63 લાખ મતદારોના નામ હટ્યા

SIR પ્રક્રિયા શરુ થતાં પહેલા બિહારમાં કુલ 7 કરોડ, 89 લાખ, 69 હજાર અને 844 મતદાર હતા. SIR પ્રક્રિયા 25 જૂનથી શરુ થઈ હતી. 

1 ઑગસ્ટે જાહેર મતદાર યાદીમાં 7 કરોડ, 24 લાખ, 5 હજાર અને 756 મતદારના નામ હતા, જેમાં 65.63 લાખ લોકોનું નામ કપાયું હતું. આ યાદી જાહેર થયા પછી ચૂંટણી પંચે 3 લાખ લોકોને નોટિસ ફટકારી હતી. આ દરમિયાન 2.17 લાખ લોકોનું નામ કાઢવાની અરજી આવી હતી, જ્યારે 16.93 લાખ લોકોએ પોતાનું નામ જોડવા અરજી કરી હતી. 

16 લાખ લોકોએ નામ જોડવા કરી અરજી

1 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી 16 લાખ, 56 હજાર, 886 લોકોએ ફોર્મ-6 ભરીને નામ જોડવાની અરજી કરી હતી. વાંધા અરજીમાં 36,475 લોકોએ નામ જોડવાની અને 2 લાખ, 17 હજાર અને 49 લોકોએ નામ હટાવવા અરજી કરી હતી. 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી આવેલી અરજીઓનો હજુ નિકાલ નથી કરાયો. આ કામ 1 ઑક્ટોબર પછી શરુ થશે. હવે નામ જોડવા માટે આધાર પણ માન્ય કરી દેવાયો છે.