બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર થંભ્યો, જાણો 121 બેઠકો પર કયા પક્ષની શું છે વ્યૂહનીતિ

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર મંગળવારે ( 4 નવેમ્બર, 2025) સાંજે થંભી ગયો. પ્રથમ તબક્કામાં NDA અને મહાગઠબંધન બંને તરફના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ NDA ઉમેદવારો માટે વોટ માંગ્યા. જ્યારે મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવે કમાન સંભાળી.
બિહારમાં છેલ્લા 20 વર્ષથી નીતિશ કુમાર સત્તા સંભાળી રહ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 20માંથી 15 વર્ષ શાસનમાં રહી. આ વખતે રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડ ઘણી બેઠકો પર સામસામે છે. બિહારની 51 બેઠકો પર આરજેડી અને ભાજપ જ્યારે 61 બેઠકો પર આરજેડી અને જેડીયુ વચ્ચે ટક્કર છે.
ભાજપ અને આરજેડી સામસામે
ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યત્વે લાલુ યાદવની સરકારનો સમય યાદ અપાવ્યો. નવી પેઢીના યુવાનોને લાલુ યાદવના શાસનની યાદ અપાવી. બીજી તરફ આરજેડી તરફથી લાલુ યાદવે સ્વાસ્થ્યના કારણોસર કોઈ મોટી રેલી કરી નથી. જોકે તેજસ્વી યાદવ જ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રીય મુદ્દા ઉઠાવ્યા
કોંગ્રેસની વાત કરીએ તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ બિહારમાં મુખ્યત્વે રાષ્ટ્રીય મુદ્દા ઉઠાવ્યા અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધી બેગુસરાયમાં તળાવમાં ડૂબકી લગાવીને માછલી પકડતાં પણ જોવા મળ્યા.
નીતિશ કુમાર 'શાંત પ્રચાર'
બીજી તરફ મુખ્યમંત્રી આક્રમકને બદલે ધૈર્ય સાથે પ્રચાર કરી રહ્યા છે. અને પોતાના કામો ગણાવીને વોટ માંગી રહ્યા છે. નીતિશ કુમારની જેડીયુ 101 બેઠકો પર ચૂંટણી લડી રહી છે જેમાં તમામ જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપી છે.

