I.N.D.I.A. ગઠબંધનમાં ડખા! ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજીના પક્ષે કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ

After Bihar Loss, I.N.D.I.A. Bloc Faces Rifts : બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઈટેડના નેતૃત્વમાં NDAનો ભવ્ય વિજય થયો. જે બાદ હવે I.N.D.I.A. ગઠબંધનમાં ડખા શરૂ થયા છે અને અન્ય પક્ષના નેતાઓ કોંગ્રેસ પર સવાલ ઉઠાવી રહ્યા છે. થોડા દિવસ બાદ દિલ્હીમાં સંસદમાં શિયાળુ સત્ર શરૂ થશે. એવામાં જો વિપક્ષમાં અંદરોઅંદર તણાવ દેખાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં શિવસેના UBT અને કોંગ્રેસ સામસામે
બિહાર ચૂંટણી મુદ્દે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ તથા કોંગ્રેસના નેતાઓએ એકબીજા પર ટીકા ટિપ્પણી કરી છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અંબાદાસ દાનવેએ બિહારના પરાજય માટે ગઠબંધનમાં નિર્ણય લેવામાં થયેલા વિલંબને જવાબદાર ઠેરવ્યા. દાનવેએ કહ્યું કે તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં ગઠબંધનમાં ખચકાટ હતો. બેઠકોની વહેંચણીને અંતિમ રૂપ આપવામાં ખૂબ વિલંબ થયો. જેનું નુકસાન ચૂંટણીમાં થયું. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની યાત્રાને સારું સમર્થન મળી રહ્યું હતું તે સમયે જ તેજસ્વીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી દેવાની જરૂર હતી. મહારાષ્ટ્રમાં પણ જો ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા હોત તો પરિણામ જુદા આવ્યા હોત.
જવાવમાં કોંગ્રેસ નેતા અતુલે કહ્યું કે બિહારની જીત ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની જીત છે, નીતિશ કુમારની નહીં. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓએ યાદ રાખવું જોઈએ તેઓ જે બેઠકો પર ચૂંટણી લડ્યા તેમાંથી ઘણી બેઠકો પર ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. ગઠબંધનમાં એકબીજા પર નિશાન સાધવાને બદલે વોટ ચોરીના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
બીજી તરફ કોંગ્રેસે BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. કોંગ્રેસ નેતા રમેશ ચેન્નિથલાએ કહ્યું છે કે આ નિર્ણય હવે પ્રદેશ સમિતિ અને સ્થાનિક નેતાઓ લેશે. જોકે મુંબઈ કોંગ્રેસ સમિતિએ પહેલેથી જ નક્કી કર્યું છે કે તેઓ એકલા હાથે જ ચૂંટણી લડવા માંગે છે.
TMCનો કોંગ્રેસ પર કટાક્ષ
બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પણ બિહાર મામલે રાજકારણ ગરમાયું છે. TMC નેતા કુણાલ ઘોષે IANS સાથે વાતચીતમાં કહ્યું છે કે કોંગ્રેસે પોતાની હાર પર મંથન કરવું જોઈએ, કારણ કે કોંગ્રેસ સતત નિષ્ફળ સાબિત થઈ રહી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી બાદ હવે બિહારમાં પણ તેમનો પરાજય થયો. જ્યાં કોંગ્રેસ પર ભાજપને રોકવાની જવાબદારી હોય ત્યાં કોંગ્રેસ ફેલ જ થાય છે. કોંગ્રેસ પોતે તો જીતતી છે નહીં અને જે રાજ્યમાં જે પક્ષ સાથે ગઠબંધન કરે તે પક્ષની નૈયા ડૂબાડે છે. કોંગ્રેસે પોતે વિચાર કરવો જોઈએ કે હવે I.N.D.I.A. ગઠબંધનના નેતૃત્વની જવાબદારી કોના હાથમાં હોવી જોઈએ. મમતા બેનરજીના નેતૃત્વમાં અમારો પક્ષ સતત જીતી રહ્યો છે. તેઓ દેશમાં સૌથી લોકપ્રિય છે.

