Get The App

ભાજપનું સપનું રોળાશે! નીતિશ કુમારના નવા પ્લાનથી બિહારના રાજકારણમાં હલચલ તેજ

Updated: Jan 28th, 2025

GS TEAM

Google News
Google News
nishant kumar

Bihar Politics: બિહારના રાજકારણમાં આ દિવસોમાં સૌથી વધુ ચર્ચા નીતિશ કુમાર બાદ તેમના પુત્ર નિશાંત કુમારની જ થઈ રહી છે. નિશાંત કુમારના રાજકારણમાં પ્રવેશને લઈને રાજકીય બજાર ગરમ છે. એવી ચર્ચા છે કે નીતિશ કુમાર પોતાના પુત્રને પોતાનો રાજકીય ઉત્તરાધિકારી બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિશાંત કુમાર હોળી પછી સક્રિય રાજકારણમાં જોડાઈ શકે તેવી સંભાવનાઓ છે. 

ચર્ચામાં છે નિશાંત કુમાર 

8 જાન્યુઆરીએ નિશાંત કુમાર તેમના પિતા સાથે સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાઓના અનાવરણ કાર્યક્રમ માટે તેમના વતન આવ્યા હતા. જ્યાં તેમણે પહેલીવાર મીડિયા સાથે વાત કરતાં રાજકીય નિવેદન પણ આપ્યું હતું. 

નિશાંત કુમારે જનતાને વિધાનસભા ચૂંટણીમાં પિતાને સમર્થન આપવાની અપીલ કરતાં કહ્યું હતું કે, 'નવા વર્ષમાં ચૂંટણી છે તો લોકોએ મારા પિતા અને તેમની પાર્ટીને મત આપવો જોઈએ અને તમે તેમને સરકારમાં પાછા લાવીને સારું કામ કરશો.' અહીંથી તેમના રાજકારણમાં પ્રવેશની અટકળોએ જોર પકડ્યું હતું.

નીતિશ પોતાનો રાજકીય વારસો સુરક્ષિત કરવા માંગે છે?

રાજકીય વર્તુળોમાં એવી પણ વાતો થઈ રહી છે કે બદલાતા સમયની સાથે નીતિશ કુમાર પોતાનો રાજકીય વારસો સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ ભાજપ છે. બિહારમાં ભાજપની વધતી શક્તિથી પરેશાન નીતિશ કુમાર JDUના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક સાહસિક પગલું ભરવા માંગે છે. જેથી બિહારમાં સરકાર બનાવવાનું ભાજપનું સપનું એક સપનું જ રહી જાય.

પરિવારવાદના માર્ગે નીતિશ કુમાર!

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જેમ રાજનીતિમાં પણ પરિવારવાદ નવી વાત નથી. ઉત્તર પ્રદેશ અને બિહારના યાદવ પરિવારથી માંડીને મહારાષ્ટ્રના ઠાકરે પરિવાર સુધી, પ્રાદેશિક પક્ષો તેમનું સાતત્ય જાળવવા માટે પરિવારના નેતૃત્ત્વ પર આધાર રાખે છે. આથી તેઓ કૌટુંબિક ઉત્તરાધિકારને જ પ્રાધાન્ય આપે છે. અત્યાર સુધી નીતિશ કુમાર આને ટાળતા રહ્યા છે. પરંતુ જ્યારથી નિશાંત કુમારનું નામ સામે આવ્યું છે, ચર્ચા થઈ રહી છે કે હવે વધુ એક પરિવાર રાજકીય વારસા તરફ આગળ વધી રહ્યો છે. જો કે હજુ સુધી મુખ્યમંત્રી દ્વારા આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

અગાઉ પણ નિશાંત કુમારને રાજકારણમાં લાવવાની ચર્ચાઓ થઈ હતી

ગત વર્ષે પણ નિશાંત કુમારને JDUમાં લાવવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. પાર્ટી કાર્યકર્તાઓએ નિશાંતને પાર્ટીમાં સામેલ કરવાની માંગ કરી હતી. પરંતુ, પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આ માંગને ફગાવી દીધી હતી. નિશાંત કુમાર છેલ્લે 2015માં તેમના પિતાના શપથ ગ્રહણ સમારોહના રાજકીય કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. ત્યારે પણ કાર્યક્રમના થોડા દિવસો બાદ તેમના રાજકારણમાં સક્રિય થવાની ચર્ચાઓ ચાલી હતી. 

આ પણ વાંચો: યુપીના યુવકે ટ્રેક્ટરની પાછળ એવું તો શું લગાવ્યું કે ARTOએ રૂ.10 લાખનો દંડ ફટકાર્યો

બિહારમાં વંશવાદી રાજકીય લડાઈ વધુ ઉગ્ર બનશે

રાજ્યના નેતૃત્ત્વમાં હાલમાં બે રાજકીય ઉત્તરાધિકારીઓ છે. રાષ્ટ્રીય જનતા દળ(RJD)ની વાત કરીએ તો લાલુ પ્રસાદ યાદવે વર્ષ 2013માં પુત્ર તેજસ્વી યાદવને પાર્ટીના નવા નેતાના રૂપમાં રાજકારણમાં પ્રવેશ આપ્યો હતો. 

ત્યારે તે જ સમયગાળામાં રામ વિલાસ પાસવાને પણ તેમના પુત્ર ચિરાગ પાસવાનનો રાજકારણમાં પ્રવેશ કરાવ્યો હતો. ચિરાગ પાસવાને વર્ષ 2014ની ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટી(LJP)ને એનડીએ સાથે લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એવામાં હવે નિશાંત કુમાર રાજકારણમાં પ્રવેશતાંની સાથે જ યુવા મતદારોને નવા ખેલાડી તરીકે બીજો નવો ચહેરો મળશે. 

ભાજપનું સપનું રોળાશે! નીતિશ કુમારના નવા પ્લાનથી બિહારના રાજકારણમાં હલચલ તેજ 2 - image