બિહાર ચૂંટણી અગાઉ જેડીયુએ ભાજપનું ટેન્શન વધાર્યું, સીએમ પદ માટે નીતિશ કુમાર જ ફાઈનલ!
Bihar Election: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મુદ્દે વિપક્ષ દ્વારા સતત સંકેતો અપાઈ રહ્યા છે કે, આ વખતે તેઓ મુખ્યમંત્રી બની શકશે નહીં. તેમના વિરોધી બિહારવાસીઓના મગજમાં આ વાત ઘર કરી જાય તે હેતુ સાથે સતત આ વાતનો પુનરોચ્ચાર કરી રહ્યા છે, જો કે, જેડીયુએ આ મામલે ચાલી રહેલી અટકળોનો અંત લાવતાં સ્પષ્ટતા કરી છે કે, જેડીયુ ફર્સ્ટ ડિવિઝનમાં આવે કે થર્ડ ડિવિઝનમાં મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ બનશે.
જેડીયુના નેતૃત્વ હેઠળની એનડીએ ગઠબંધન સરકારમાં મંત્રી મહેશ્વર હજારીએ જણાવ્યું હતું કે, જેડીયુ ફર્સ્ટ ડિવિઝન આવે કે, થર્ડ ડિવિઝન, મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ રહેશે. ગમે-તે પરિસ્થિતિમાં CM તો તે જ રહેશે. આ મુદ્દે કોઈ સંકોચ રહેવો જોઈએ નહીં. નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે કે, બિહારમાં ફરીથી એનડીએની સરકાર બનશે, ચૂંટણીમાં એનડીએને ભારે બહુમત મળવાનુ નિશ્ચિત છે. મારા પિતા જ મુખ્યમંત્રી બનશે.
બિહારમાં ચૂંટણી પહેલાં CM પદ પર ખેંચતાણ!
બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે રાજકારણ ગરમાયું છે. એનડીએની સહયોગી પાર્ટી જેડીયુએ પટના સ્થિત પોતાની પાર્ટી ઓફિસની બહાર મોટુ પોસ્ટર લગાવ્યું છે. જેમાં લખ્યું છે કે, 25થી 30, ફરીથી નીતિશ. આ પોસ્ટર હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીના નિવેદનનો જવાબ આપવા લગાવવામાં આવ્યું છે. સૈનીએ કહ્યું હતું કે, ભાજપ પૂર્વીય રાજ્ય (બિહાર)માં સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડશે. જેથી જેડીયુએ પોસ્ટર લગાવી કહ્યું હતું કે, આ પોસ્ટર અને સંદેશ આ વાતનું પ્રમાણ છે કે, નીતિશ મેજિક આજે પણ કાયમ છે. વરિષ્ઠ જેડીયુ નેતા નીરજ કુમારે પણ જણાવ્યું હતું કે, એનડીએએ પહેલાંથી જ નક્કી કરી લીધુ છે કે, આગામી વિધાનસભા ચૂંટણી નીતિશજીના નેતૃત્વ હેઠળ લડશે. 2025થી 2030 દરમિયાન તે જ મુખ્યમંત્રી રહેશે...બસ આટલી જ વાત છે.
આ પણ વાંચોઃ અમેરિકા અને નાટોની નારાજગી વચ્ચે પણ પુતિન આવશે ભારત, જાણો તેમનો એજન્ડા શું
સમ્રાટ ચૌધરીએ કર્યું સ્પષ્ટ વલણ
નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રીએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી બાદ પણ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ રહેશે. રાજ્યના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ પણ કહ્યું હતું કે, એનડીએ બિહારમાં સત્તા જાળવી રાખશે. આગામી સરકાર નીતિશ કુમારના નેતૃત્વમાં જ બનશે. વિપક્ષના તમામ દાવાઓ વચ્ચે જેડીયુએ સંકેત આપ્યા છે કે, નીતિશ કુમારનું નેતૃત્વ ગઠબંધનને સંપૂર્ણપણે સ્વીકાર્ય છે. આગામી સરકાર પણ તેમના નેતૃત્વ હેઠળ ચાલશે.