કર્ણાટકમાં જાન્યુઆરી બાદ સિદ્ધારમૈયાની સરકાર નહીં ચાલે, 45 લોકો અમારા સંપર્કમાં: BJP ધારાસભ્યનો દાવો
Image Source: Twitter
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રસાદને સિદ્ધારમૈયા સરકારની કેબિનેટમાં સ્થાન ન મળતા નારાજ
બેંગલુરુ, તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર
કર્ણાટકમાં કોંગ્રેસની સરકારમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. દાવો કરવામાં આવી રહ્યો છે કે, સિદ્ધારમૈયા સરકાર જાન્યુઆરી બાદ નહીં ચાલે. ભાજપના ધારાસભ્ય બાસનગૌડા આર પાટિલે કહ્યું આ દાવો કર્યો છે. બાસનગૌડાએ કહ્યું કે, 45 લોકો તેમની પાર્ટીના સંપર્કમાં છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે અમે જ સીએમ બનવાના છીએ તો વિપક્ષના નેતાની નિમણૂક શા માટે કરવી જોઈએ!
BJP ધારાસભ્યનો મોટો દાવો
બાસનગૌડા આર પાટિલ યત્નાલે કહ્યું કે, કોંગ્રેસ સરકારે બીકે હરિપ્રસાદની વરિષ્ઠતાને મહત્વ ન આપ્યું જેનાથી તેઓ દુ:ખી છે. બીકે હરિપ્રસાદે સિદ્ધારમૈયા વિશે શું કહ્યું તે તેમનો આંતરિક મામલો છે પરંતુ આ તમામ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે, જાન્યુઆરી બાદ આ સરકાર નહીં ચાલશે. 45 લોકો અમારા સંપર્કમાં છે. આપણે વિપક્ષી નેતાની ચિંતા શા માટે કરવી જોઈએ, જ્યારે અમે જ મુખ્યમંત્રી બનવાના છીએ તો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રસાદને સિદ્ધારમૈયા સરકારની કેબિનેટમાં સ્થાન નથી મળ્યું. જેના કારણે બીકે હરિપ્રસાદ નારાજ હોવાનું કહેવાય છે. હવે તેમણે રાજ્યવ્યાપી પ્રવાસ શરૂ કર્યો છે જેમાં તેઓ OBC સમુદાય સાથે બેઠકો કરી રહ્યા છે અને રેલીઓ કરી રહ્યા છે. બેઠક દરમિયાન હરિપ્રસાદ ખુલ્લેઆમ સીએમ સિદ્ધારમૈયા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સીએમ સિદ્ધારમૈયાએ આ અંગે પાર્ટી પ્રભારી રણદીપ સુરજેવાલાને ફરિયાદ કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે.
3 ડેપ્યુટી CM બનાવવાની માંગ
બીજી તરફ કર્ણાટક કોંગ્રેસમાં વધુ ત્રણ ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના એક નેતાએ હાલમાં જ એસસી/એસટી કેટેગરી, લઘુમતી કેટેગરી અને વીરશૈવ લિંગાયત સમુદાયમાંથી એક-એક નેતાઓને ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ કરી છે. આ માંગ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. સીએમ પદને લઈને સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે પણ તણાવ જોવા મળ્યો હતો. જોકે બાદમાં ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ બનવા માટે સંમત થયા હતા. ડીકે શિવકુમારે અન્ય કોઈને ડેપ્યુટી સીએમ ન બનાવવાની માંગ કરી હતી. હવે વધુ ત્રણ ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ ડીકે શિવકુમારની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.