પાકિસ્તાનને મોટો ઝટકો: ભારતમાં રમાનારી ટૂર્નામેન્ટમાંથી આઉટ, બાંગ્લાદેશની એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asian Hockey Champions Trophy 2026: ભારતની યજમાની હેઠળ યોજાનારી હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાકિસ્તાન બહાર થઈ ગયું છે, અને તેની જગ્યાએ બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતની ધરતી પર રમાનારી આ ચેમ્પિયન્સ ટ્રોફીના મુકાબલા પંજાબના જલંધર અને મોહાલી ખાતે રમાશે. આ હોકી ટૂર્નામેન્ટ 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે યોજાશે. 6 ટીમો ધરાવતી આ ટૂર્નામેન્ટમાં પહેલા પાકિસ્તાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ પાકિસ્તાન હોકી ફેડરેશન દ્વારા એશિયન હોકી ફેડરેશન સમક્ષ પોતાના મેચો કોઈ ન્યૂટ્રલ વેન્યૂ પર શિફ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, તે સમયે હોકી ઈન્ડિયાના મંત્રી અને એશિયન હોકી ફેડરેશનના ઉપાધ્યક્ષ ભોલાનાથ સિંહે સ્પષ્ટ કર્યું હતું કે, વેન્યૂમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
હોકી ઈન્ડિયાની યાદીમાંથી પાકિસ્તાન ગાયબ
હોકી ઈન્ડિયાએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જેમાં ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 6 ટીમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ટીમોમાં પાકિસ્તાનનું નામ ગાયબ છે. આ 6 ટીમોમાં ભારત ઉપરાંત જાપાન, ચીન, મલેશિયા, દક્ષિણ કોરિયા અને બાંગ્લાદેશનો સમાવેશ કરાયો છે.
રિઝર્વ ટીમમાં હતું બાંગ્લાદેશનું નામ
ગત મહિને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મોહાલીમાં ટૂર્નામેન્ટના શેડ્યૂલની જાહેરાત કરતી વખતે પાકિસ્તાનની ભાગીદારીનો દાવો કર્યો હતો. કોઈપણ ટીમ નામ પરત ખેંચે તેવા જોખમને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ અને ઓમાનને રિઝર્વ ટીમો તરીકે રાખવામાં આવ્યા હતા. આ રીતે બાંગ્લાદેશની ટૂર્નામેન્ટમાં એન્ટ્રી થઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 2008ના મુંબઈ આતંકી હુમલા પછી કોઈ દ્વિપક્ષીય હોકી સીરીઝ રમાઈ નથી, પરંતુ બંને ટીમો મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં સામસામે આવતી રહી છે. ભારતીય હોકી ટીમે છેલ્લે 2006માં પાકિસ્તાનમાં સિરીઝ રમી હતી.
જલંધર અને મોહાલીમાં આ રીતે યોજાશે મુકાબલા
જલંધરમાં લીગ સ્ટેજની તમામ મેચો રમાશે. આ મેચો ઓલિમ્પિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમમાં યોજાશે. ટૂર્નામેન્ટની બાકીની મહત્વની મેચો મોહાલીના ઓલિમ્પિયન બલબીર સિંહ સિનિયર ઈન્ટરનેશનલ હોકી સ્ટેડિયમમાં રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ 4 અને 5 નવેમ્બરે મોહાલીમાં રમાશે.




