ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ પાકિસ્તાની નાગરિકને 2 વર્ષની સજા, ભુજની કોર્ટનો ચુકાદો

Bhuj News: કોઈપણ મંજૂરી, પાસપોર્ટ કે વિઝા વિના ભારતની જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ ભુજની શેસન્સ કોર્ટે પાકિસ્તાની નાગરિકને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આરોપી સરહદથી 100 મીટર અંદર ભારતીય જળસીમામાં પ્રવેશ્યો હતો. કોર્ટે આરોપીને પાસપોર્ટ એક્ટ 1920, ફોરેનર્સ એક્ટની કલમ 14(A)(b) અને જીપી એક્ટની કલમ 120 હેઠળ દોષિત ઠેરવ્યો હતો.
કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે આરોપી બાબુ આલુ ઈલ્યાસ આફત (22) પાકિસ્તાની નાગરિક હોવાથી સજા પૂરી થયા બાદ જેલર આરોપીને મુક્ત કરશે નહિ. આ પછી ભારત-પાકિસ્તાન વચ્ચેના કરારને આધિન નિયમો અને શરતો મુજબ ભારત સરકાર યોગ્ય નિર્ણય લેશે અથવા આગળની કોઈ પ્રક્રિયા કરશે. કોર્ટે ભુજની પાલારા જેલના જેલરને આરોપીની કસ્ટડી કચ્છ-ભુજના એસપીને સોંપવાનો નિર્દેશ કર્યો હતો.
સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી અને પુરસીસ દાખલ કરી કોર્ટને જણાવ્યું હતું કે તે કોઈપણ ઇરાદા વિના ભૂલથી ભારતના હદક્ષેત્રમાં પ્રવેશી ગયો હતો. આરોપીએ પોતે કરેલા ગુના માટે માફી માગી હતી.
ફરિયાદ પક્ષ તરફથી હાજર રહેનાર વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો સફળતાપૂર્વક સાબિત કરવામાં આવ્યો છે. આરોપી પાકિસ્તાની છે અને તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હતો..આ પ્રકારના કૃત્યને ખુબ જ ગંભીર ગુનાની શ્રેણીમાં ગણવામાં આવે છે. તેથી તેમણે રજૂઆત કરી હતી કે ગુનાના પ્રકારને ધ્યાનમાં રાખીને આરોપી પર સજા લાદવી જોઈએ.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નિયુક્ત કરાયેલા આરોપીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપી ભૂલથી ભારતના હદક્ષેત્રમાં પ્રવેશ્યો હતો. આરોપી વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી અને તેના પર પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી છે. આરોપીની નાની ઉંમર છે અને કૌટુંબિક પરિસ્થિતિને જોતાં તેના પર ઓછામાં ઓછી સજા લાદવામાં આવી જોઈએ.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર કેસની વિગત એવી છે કે આરોપી ચાલુ વર્ષે 12મી જાન્યુઆરીના રોજ કચ્છ જીલ્લામાં આવેલી સરહદથી 100 મીટર અંદર ભારતીય જળસીમામાં પ્રવેશી ગયો હતો. નિરીક્ષણ કેન્દ્ર પર તૈનાત કોન્સ્ટેબલોએ આ હિલચાલ જોઈ અને તેમણે ભારતીય જળસીમામાં પ્રવેશેલા પાકિસ્તાની નાગરિકને પકડી પાડ્યો હતો. આ પછી સમગ્ર બનાવની જાણ દયાપર પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. આરોપીને તેનું નામ અને સરનામું પૂછતા પોતે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલીધુંગ્રો પોસ્ટનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસેથી પાકિસ્તાની રૂપિયાની 100ની બે નોટ, 3 કિલો કરચલા, હેડ ટોર્ચ અને સ્વિમિંગ ટ્યુબ મળી આવી હતી.
આ પછી ભુજમાં આરોપીની અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ભારતીય એજન્સીઓને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીનો ભારતમાં કોઈ સંબંધી કે પરિચિત વ્યક્તિ નથી અને તે કોઈ આતંકી સંગઠન કે સંસ્થા સાથે સંકળાયેલો નથી. ત્યારબાદ ડીએસપી, પશ્ચિમ કચ્છએ લેખિત પત્રમાં પાસપોર્ટ એક્ટ 1920 ની કલમ 3, ફોરેનર્સ એક્ટની કલમ 14(A)(b) અને જીપી એક્ટની કલમ 120 હેઠળ પાસપોર્ટ કે વિઝા વગર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા બદલ આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.. આ વર્ષે 24 એપ્રિલના રોજ દયાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.