Bhojshala Controversy: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક ભોજશાળામાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે વસંત પંચમી પર ભોજશાળામાં સરસ્વતી પૂજા અને નમાઝ બંનેની મંજૂરી આપી છે. કોર્ટે મુસ્લિમોને બપોરે 1થી 3 વાગ્યા સુધી જુમ્માની નમાઝ અદા કરવાની મંજૂરી આપી છે. સાથે જ તંત્રને પરિસરમાં બેરિકેડિંગ તથા અલગ અલગ પ્રવેશ અને નિકાસની વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો છે.
હિન્દુઓને પૂજા અને મુસ્લિમોને નમાઝની મંજૂરી, નમાઝનો સમય નક્કી
નોંધનીય છે કે આગામી 23મી જાન્યુઆરીએ ભારતભરમાં વસંત પંચમી ઉજવાશે. એવામાં હિન્દુઓની માંગ હતી કે સરસ્વતી પૂજા સમયે નમાઝ રોકવામાં આવે. અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે વસંત પંચમીના દિવસે આખો દિવસ એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હિન્દુ પક્ષને પૂજાની અનુમતિ આપી છે. જોકે બપોરે 1થી 3 વાગ્યા સુધી નમાઝ પણ કરી શકાશે. કોર્ટે કહ્યું છે કે પરિસરમાં બેરિકેડિંગ અને મંડપ બનાવીને અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે. હવનકુંડ અને નમાઝ કરવા આવી રહેલા લોકો માટે એન્ટ્રી ગેટ તથા એક્ઝિટ ગેટ પણ અલગ રાખવામાં આવે.
કોર્ટે મુસ્લિમ પક્ષને નિર્દેશ આપ્યા છે કે તેઓ જિલ્લા મૅજિસ્ટ્રેટને નમાઝ કરવા આવનારા લોકોની સંખ્યા જણાવે. જેથી તેમના માટે પાસ તથા અન્ય વ્યવસ્થા કરી શકાય. કોર્ટે બંને પક્ષને સન્માન, સહિષ્ણુતા, સહકારની ભાવના રાખવા તથા તંત્રના આદેશોનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે.
સરળ શબ્દોમાં સમજો ભોજશાળાનો સમગ્ર વિવાદ
- ભોજશાળાનું નિર્માણ 11મી સદીમાં રાજા ભોજે કરાવ્યું હોવાનું મનાય છે
- હિન્દુ પક્ષ ભોજશાળાને માતા સરસ્વતીનું મંદિર માને છે
- મુસ્લિમ પક્ષ ભોજશાળાને મસ્જિદ માને છે
- 18મી સદીમાં અંગ્રેજ સરકારે અહીં ખોદકામ કરાવતા સરવસ્તી માતાની મૂર્તિ મળી આવી હતી
- માતા સરસ્વતીની મૂર્તિ આજે લંડનના મ્યુઝિયમમાં સ્થિત છે
- હવે આ જગ્યા ASI દ્વારા સંરક્ષિત સ્થાન છે
- હિન્દુઓને અહીં દર મંગળવારે પૂજા અને મુસ્લિમ પક્ષને દર શુક્રવારે નમાઝ કરવાની અનુમતિ છે
- આ વર્ષે વસંત પંચમી શુક્રવારે હોવાથી હિન્દુઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા


