ભોજશાળામાં મંદિર હોવાના પુરાવા! વધેલા અવશેષોથી મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhojshala Controversy: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત ઐતિહાસિક ભોજશાળા અંગે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ(ASI) એ સોમવારે મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર બેંચમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો અને પક્ષકારોને તેની નકલ સોંપી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે, ભોજશાળાનું નિર્માણ 12મી સદીમાં થયું હતું, જ્યારે પરિસરમાં સ્થિત મસ્જિદનું નિર્માણ ઈ.સ. 1265માં કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભોજશાળાનું નિર્માણ માળવા ક્ષેત્રમાં મુગલોના આગમન પહેલા થયું હતું.
મંદિરના ભાગોનો ઉપયોગ કરીને મસ્જિદ બનાવી
ભોજશાળા વિવાદ અંગેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જૂના મંદિરના ભાગોનો ઉપયોગ કરીને મસ્જિદ બનાવવામાં આવી છે. હિન્દુ સમુદાય ભોજશાળાને વાગ્દેવી(દેવી સરસ્વતી)નું મંદિર માને છે. જ્યારે મુસ્લિમ પક્ષ આ 11મી સદીના સ્મારકને કમાલ મૌલા મસ્જિદ ગણાવે છે. હાલમાં આ પરિસર ASI દ્વારા સંરક્ષિત છે.
સનાતન ધર્મ સાથે જોડાયેલા પ્રતીકો મળ્યા
- સર્વે રિપોર્ટ મુજબ, ભોજશાળા પરિસરમાંથી સિક્કા, સનાતન ધર્મ સાથે જોડાયેલા પ્રતીક ચિહ્નો અને દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે.
- મંદિર શૈલીની સ્થાપત્યકળાના સ્પષ્ટ સંકેતો મળ્યા છે.
- અનેક સ્તંભો પર નકશીકામ, કમળની આકૃતિઓ અને શિલ્પ અવશેષો મળી આવ્યા છે.
- સંસ્કૃત ભાષાના શિલાલેખો પણ નોંધવામાં આવ્યા છે, જે 12થી 16મી શતાબ્દી વચ્ચેના હોવાનું મનાય છે.
2100 પાનાનો વિસ્તૃત રિપોર્ટ
આ 2100 પાનાના રિપોર્ટમાં સર્વે દરમિયાન લેવામાં આવેલી 500થી વધુ તસવીરો પુરાવા તરીકે સામેલ છે. રિપોર્ટ અનુસાર, એ હકીકત સામે આવી છે કે ભોજશાળાનું નિર્માણ 12મી સદીમાં થયું હતું, જ્યારે માળવામાં કમાલ મૌલાનું આગમન વર્ષ 1265માં થયું હતું.
ASI ટીમ દ્વારા આધુનિક ટૅક્નોલૉજીથી સર્વે
ASIની ટીમે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR) ટૅક્નોલૉજીની મદદથી જમીનની અંદરની સંરચનાઓનું પરીક્ષણ કર્યું હતું. ખોદકામ કરીને અવશેષો, દીવાલોની રચના, સ્તંભો અને શિલાલેખોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સર્વેમાં સ્થાપત્ય શૈલી, બાંધકામ સામગ્રી અને સમય નિર્ધારણ (Date estimation) પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
દાવા અને વાંધા માટે બે સપ્તાહનો સમય
હાઇકોર્ટે તમામ પક્ષકારોને આ વૈજ્ઞાનિક સર્વે રિપોર્ટ પર પોતાના વાંધા, મંતવ્યો, સૂચનો અને ભલામણો રજૂ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 22 જાન્યુઆરીએ હાઇકોર્ટને નિર્દેશ આપ્યો હતો કે તે ASI દ્વારા સીલબંધ કવરમાં સોંપવામાં આવેલો રિપોર્ટ ખોલે. આ મામલે હવે આગામી સુનાવણી 16 માર્ચના રોજ થશે.
શું છે ભોજશાળા વિવાદ?
- ધારના આ ઐતિહાસિક પરિસરમાં મંદિર અને મસ્જિદ બંનેની ઓળખ જોડાયેલી છે.
- હિન્દુ સમુદાય તેને સરસ્વતી મંદિર માને છે, જ્યારે મુસ્લિમ સમુદાય તેને મસ્જિદ કહે છે.
- વિવાદ વધ્યા બાદ ASIએ 7 એપ્રિલ 2003ના રોજ એક આદેશ જારી કર્યો હતો.
- આ આદેશ મુજબ, હાલની વ્યવસ્થા મુજબ હિન્દુઓને દર મંગળવારે પૂજા કરવાની છૂટ છે, જ્યારે મુસ્લિમોને દર શુક્રવારે નમાજ અદા કરવાની પરવાનગી આપવામાં આવી છે.








