'મારે અહીંયા જ રહેવું છે...', બેંગ્લુરૂ નાસભાગમાં જીવ ગુમાવનારા દીકરાની કબર પર પિતા ભાંગી પડ્યો
Bengaluru Stampede: ચોથી જૂને બેંગ્લુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતની ઉજવણી દરમિયાન થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. જેમાં ભૂમિક લક્ષ્મણનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ દરમિયાન ભૂમિકના પિતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે પુત્રની કબરને ગળે લગાવીને ચોધાર આંસુએ રડતા જોવા મળે છે. પિતાએ કહ્યું કે, 'મારા પુત્ર સાથે જે થયું તે કોઈની સાથે ન થવું જોઈએ. મારે અહીંયા જ રહેવું છે.'
ભૂમિક તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો
અહેવાલો અનુસાર, બીટી લક્ષ્મણ પુત્ર ભૂમિક લક્ષ્મણની કબરને ગળે લગાવીને રડતા રડતા કહે છે કે, 'મેં તેના માટે ખરીદેલી જમીનમાં જ તેને દફનાવી દીધો. હવે હું ક્યાંય જવા માંગતો નથી. હું પણ અહીં રહેવા માંગુ છું. કોઈ પણ પિતાને એવું સહન ન કરવું જોઈએ જે હું સહન કરી રહ્યો છું.' એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થી ભૂમિક તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો.
ભૂમિકના પિતા બીટી લક્ષ્મણે બે દિવસ પહેલા અકસ્માત માટે વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'આજે મારા દીકરાનું મૃત્યુ તમારી બેદરકારીને કારણે થયું છે.' જ્યારે તે પુત્રનો મૃતદેહ લેવા માટે હોસ્પિટલમાં ગયા ત્યારે તેમણે કહ્યું કે 'મારો પુત્ર કોઈને જાણ કર્યા વિના અહીં આવ્યો હતો અને હવે તેનો મૃતદેહ રસ્તા પર પડ્યો છે. આજે જ મારા પુત્રનું પોસ્ટમોર્ટમ પૂર્ણ કરો અને તેનો મૃતદેહ મને સોંપી દો.'
આ પણ વાંચો: વાયુ પ્રદૂષણ સગર્ભા મહિલા અને નવજાત બાળકો માટે અત્યંત જોખમી, અમેરિકન રિસર્ચમાં દાવો
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ માફી માગી હતી
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઈને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે માફી માગતા કહ્યું કે, 'આવું ન થવું જોઈતું હતું અને અમને આશા નહતી કે, આટલી મોટી ભીડ થશે. સ્ટેડિયમની ક્ષમતા 35,000 છે, પરંતુ ત્યાં 3 લાખથી વધુ લોકો હતા... (સ્ટેડિયમના) દરવાજા તૂટી ગયા હતા... અમે આ ઘટના માટે માફી માંગીએ છીએ.'