'વિમાનની શોધ થાય તે પહેલેથી જ આપણી પાસે 'પુષ્પક' હતું', અનુરાગ ઠાકુર બાદ શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન ચર્ચામાં
Shivraj Singh Chouhan: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે ભારતની ટૅક્નોલૉજી પર ગર્વ કરતો એક દાવો કરતાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે દાવો કર્યો છે કે, પ્રાચીન ભારતમાં ભારતની ટૅક્નોલૉજી અત્યંત ઍડ્વાન્સ હતી. રાઇટ બ્રધર્સે વિશ્વનું પ્રથમ એરોપ્લેન શોધ્યું તે પહેલાં જ ભારત પાસે પુષ્પક વિમાન હતું.
ચૌહાણે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ભોપાલ(IISER ભોપાલ)ના 12મા દિક્ષાંત સમારોહમાં દાવો કર્યો હતો કે, ભારતની ટૅક્નોલૉજિકલ પ્રગતિ ત્યારે થંભી ગઈ, જ્યારે તે ગુલામીની ખીણમાં પડી ગયું. આ એ જમીન છે, જ્યારે વિશ્વ ઘોર અંધારામાં હતું, ત્યારે ભારતે જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો. આપણું વિજ્ઞાન અને આપણી ટૅક્નોલૉજી ખૂબ જ ઍડ્વાન્સ હતી. પુષ્પક વિમાન એ સમયે હતું, જ્યારે રાઇટ બ્રધર્સનો કોઈ અતોપત્તો પણ ન હતો.
ભારતની પ્રાચીન ટૅક્નોલૉજી પર બોલ્યા ચૌહાણ
ચૌહાણે પ્રાચીન ભારતની શસ્ત્ર ટૅક્નોલૉજી પર દાવો કર્યો કે, તમે ભારતમાં અગ્નિઅસ્ત્ર, વરુણઅસ્ત્ર, અને બ્રહ્મઅસ્ત્ર વિશે વાંચ્યું હશે, તેનો ઉપયોગ મહાભારતમાં થયો હતો. આ શસ્ત્રો લક્ષ્યને ભેદીને જ પાછા આવતા હતાં. આજે મિસાઇલ-ડ્રોન લોન્ચ થઈ રહ્યા છે. આ સિદ્ધિ આપણા દેશ એ હજારો વર્ષ પહેલાં જ હાંસલ કરી હતી. ત્યાબાદ ગુલામીની ખીણમાં પડી જતાં વિજ્ઞાન અને ટૅક્નોલૉજીની પ્રગતિ થંભી ગઈ.
આપણા દેશ પર ગર્વ લેવાની જરૂર
આગળ કહ્યું કે, ભારત એક પ્રાચીન અને હજારો વર્ષ જૂનું મહાન રાષ્ટ્ર છે. જ્યારે વિશ્વના કહેવાતા વિકસિત દેશોમાં સભ્યતાનો સૂર્ય હજુ ઉગ્યો ન હતો, ત્યારે આપણા વેદોના સ્રોત રચાઈ ચૂક્યા હતા અને ઉપનિષદોનું પઠન થઈ રહ્યું હતું. આ તે રાષ્ટ્ર છે જેના શિક્ષકો અને ઋષિઓએ હજારો વર્ષ પહેલાં જ્ઞાનની ગંગા વહાવી છે. આ એક સત્ય છે. આપણે આપણા દેશ પર ગર્વ કરવાની જરૂર છે. મંત્રીએ વિદ્યાર્થીઓને ભારતમાં રહેવા, બ્રેઇન ડ્રેઇન ઘટાડવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે કોઈપણ કૃષિ વેપાર સોદો ભારતીય ખેડૂતોને નુકસાન પહોંચાડશે નહીં.
ભગવાન હનુમાનજી વિશ્વના પ્રથમ અંતરિક્ષ યાત્રીઃ અનુરાગ ઠાકુર
શિવરાજસિંહ ચૌહાણ પહેલાં કેન્દ્રીય પૂર્વ મંત્રી અનુરાગ ઠાકુરે પણ પીએમ શ્રી શાળાના વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે, અંતરિક્ષમાં યાત્રા કરનારા પહેલાં કોણ છે. જેનો જવાબ વિદ્યાર્થીઓએ નીલ આર્મ્સ્ટ્રોંગ આપ્યો હતો. જોકે, બાદમાં ઠાકુરે કહ્યું કે, મને તો લાગે છે કે, હનુમાનજી હતા.