India

પેટ્રોલ ભરાવતા પહેલાં સાવધાન : 700થી વધુ પંપો પર ગોટાળાનો ખુલાસો, જુઓ કેવો થાય છે ખેલ

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
કર્ણાટકમાં પેટ્રોલ પંપો પર મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. રાજ્ય સરકારે કરેલી તપાસમાં 805માંથી 768 પંપોના મશીનોમાં ગડબડ જણાઈ હતી. ડિસ્પ્લે પર દર્શાવેલ જથ્થા કરતાં ઓછું પેટ્રોલ-ડીઝલ અપાતું હતું. 101 પંપ સામે ₹6.66 લાખનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. ગ્રાહકોને ઓછું ઇંધણ આપી વધુ પૈસા લેવાતા હતા. જો તમને શંકા હોય તો પંપ પરના માપિયાથી તપાસ કરાવી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલ ભરાવતા પહેલાં સાવધાન : 700થી વધુ પંપો પર ગોટાળાનો ખુલાસો, જુઓ કેવો થાય છે ખેલ

Petrol Pump Fuel Quantity Fraud Calibration Cheating: શું તમે જાણો છો કે પેટ્રોલ પંપ પર કૅલિબ્રેશન (Calibration) માં ગડબડના કારણે ગ્રાહકોને ઓછું પેટ્રોલ કે ડીઝલ મળે છે, અને તેઓ વધુ પેટ્રોલના કે ડીઝલના પૈસા ચૂકવે છે? તો ચાલો જાણીએ કે આ કૅલિબ્રેશન શું છે, અને પેટ્રોલ પંપ પર કેવી રીતે રમત થાય છે.

કર્ણાટકમાં થયેલી તપાસમાં ફૂટ્યો ભાંડો!

પેટ્રોલ પંપના મશીનમાં 10 લીટર લખેલું આવે અને ડિસ્પ્લે પર પણ 10 લીટર દેખાય, તો સામાન્ય રીતે દરેક વ્યક્તિ માની લે છે કે, તેમને પૂરેપૂરું 10 લીટર પેટ્રોલ કે ડીઝલ મળી ગયું છે. પરંતુ કર્ણાટકમાં થયેલી તપાસે આ આખી સિસ્ટમ પર સવાલો ઊભા કર્યા છે. કર્ણાટક સરકારે જ્યારે પેટ્રોલ પંપો પર તપાસ હાથ ધરી ત્યારે હેરાન કરનારું સત્ય સામે આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે 805 માંથી 768 પંપોની મશીનમાં ગડબડ હતી, એટલે કે ડિસ્પ્લે પર જેટલું પેટ્રોલ દેખાય છે, એટલું ફ્યુઅલ ટેન્કમાં આવતું નહોતું. કેટલાક પંપોમાં ગડબડ વધુ હોવાથી 101 પંપો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, અને તેમના પર કુલ ₹6.66 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

કૅલિબ્રેશન એટલે શું?

કૅલિબ્રેશનનો સીધો અર્થ એ છે કે, મશીન જેટલું ઇંધણ ડિસ્પ્લે પર બતાવી રહ્યું છે, ખરેખરમાં નોઝલમાંથી એટલું જ ઇંધણ બહાર નીકળી રહ્યું છે કે નહીં. એટલે કે જો ડિસ્પ્લેમાં 10 લીટર બતાવે તો મશીનમાંથી બરાબર 10 લીટર જ ઇંધણ નીકળવું જોઈએ. આ માપદંડ જાળવવા માટે સરકાર સમયાંતરે તંત્ર દ્વારા પ્રમાણિત માપદંડો (Standard Measures) વડે તપાસ કરતી હોય છે.

કેટલી ક્ષતિને ગડબડ ગણવામાં આવે છે?

દરેક નાનો તફાવત દંડ કે કેસનો આધાર બનતો નથી. નિયમો અનુસાર 10 લીટરના માપ પર 50 મિલિલીટર સુધીનો તફાવત મંજૂર મર્યાદા (Permissible Limit) માં ગણાય છે. એટલે કે 10 લીટરના ડિસ્પ્લે સામે જો 9.95 લીટર ડિલિવરી થાય તો તે માન્ય મર્યાદામાં છે, પરંતુ તેનાથી વધુ ઘટાડો હોય તો તે ગંભીર બાબત બને છે.

ગોલમાલ કેવી રીતે થાય છે?

પેટ્રોલ પંપના મશીનમાં 'ફ્લો મીટર' અને 'ડિસ્પેન્સિંગ મિકેનિઝમ' મળીને જથ્થાનું માપન કરે છે. જો આ ડિસ્પેન્સિંગ યુનિટની ચોકસાઈમાં ખામી સર્જાય અથવા ટેકનિકલ ગડબડ થાય, તો દર્શાવેલા આંકડા અને વાસ્તવિક જથ્થા વચ્ચે તફાવત આવી જાય છે. કેટલીકવાર આ ખામી ટેકનિકલ કારણોસર પણ સર્જાતી હોય છે.

શંકા જાય તો શું કરવું?

જો તમને પેટ્રોલ કે ડીઝલના જથ્થા બાબતે શંકા જાય, તો તમે પંપ પર રહેલા 5 લીટર કે 10 લીટરના પ્રમાણિત કેન/માપિયા (Standard Measuring Can) વડે સ્થળ પર જ તપાસ કરાવવાની માંગણી કરી શકો છો.