પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના, બર્ધમાન રેલવે સ્ટેશન પર નાસભાગમાં 10-12 મુસાફરો ઇજાગ્રસ્ત

Bardhaman Railway Station Stampede: પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર રવિવારે સાંજે મુસાફરોની મોટી ભીડને કારણે ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં 10થી 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક બર્ધમાન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં છ લોકોને દાખલ કરવામાં આવ્યા છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પ્લેટફોર્મ 4, 6 અને 7 પર એક સાથે ત્રણ ટ્રેનો આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ટ્રેનો પકડવાની ઉતાવળમાં, મુસાફરો પ્લેટફોર્મ 4 અને 6 વચ્ચેના ફૂટઓવર બ્રિજની સીડીઓ તરફ દોડી ગયા હતા.
સાંકડી સીડીઓ પર અચાનક ધસારો થવાથી અફરાતફરી અને ભાગદોડ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘણા મુસાફરો પડી ગયા હતા અને અન્ય લોકો દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.
આ ઘટનાને કારણે સ્ટેશન પરિસરમાં ગભરાટ ફેલાયો હતો. રેલ્વે રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.