For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈડીના વકીલોની યાદીમાં ભૂલથી સુષમા સ્વરાજના પુત્રી બાંસુરીનું પણ નામ, આપે સવાલ ઉઠાવ્યા

Updated: Apr 3rd, 2024

ઈડીના વકીલોની યાદીમાં ભૂલથી સુષમા સ્વરાજના પુત્રી બાંસુરીનું પણ નામ, આપે સવાલ ઉઠાવ્યા

Bansuri Swaraj: ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે નવી દિલ્હી બેઠક પરથી બાંસુરી સ્વરાજને મેદાનમાં ઉતાર્યા છે. બાંસુરી પાર્ટીના પ્રવક્તા છે અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પુત્રી પણ છે. જે વ્યવસાયે વકીલ છે. હાલમાં તેમનું નામ ઈડીના વકીલોની યાદીમાં આવી ગયું હોવાના કારણે આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે. 

સૌરભ ભારદ્વાજે સવાલો ઉઠાવ્યા

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહને દિલ્હી લિકર પોલિસી કેસમાં છ મહિના પછી મંગળવારે જામીન મળી ગયા હતા. આ સાથે જ સંજય સિંહ સાથે સંબંધિત કેસના દસ્તાવેજોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના વકીલોના નામમાં ભાજપના નેતા અને પાર્ટીના નવી દિલ્હી લોકસભા બેઠકના ઉમેદવાર બાંસુરી સ્વરાજનું નામ પણ સામેલ હતું. આ અંગે આપ નેતા સૌરભ ભારદ્વાજે સવાલ ઉઠાવ્યો છે કે બાંસુરીનું નામ વકીલોની યાદીમાં કેમ છે.

ઈડીના વકીલે આ યાદી અંગે ખુલાસો કર્યો 

સોશિયલ મીડિયા એક્સ (X) પર વકીલોના નામની યાદી શેર કરતી વખતે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે ભાજપ અને ઈડી સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે, 'સંજય સિંહના કેસમાં, ભાજપના ઉમેદવાર અને તેના પ્રવક્તા બાંસુરી સ્વરાજનું નામ ઈડીના વકીલોમાં છે. મેં ગઈકાલે જ કહ્યું હતું કે ભાજપ અને ઈડી એક જ છે.' જો કે ત્યારબાદ ઈડીના વકીલે જ આ મામલે ખુલાસો કર્યો હતો. ઈડીના વકીલ ઝોહેબ હસને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચનું ધ્યાન એ હકીકત તરફ દોર્યું કે વકીલોની યાદીમાં ભૂલથી બાંસુરીનું નામ લખવામાં આવ્યું છે. કોર્ટે આ અજાણતા ભૂલને સુધારીને ફરીથી ઓર્ડર અપલોડ કરવા જણાવ્યું છે. બાંસુરી સ્વરાજ કેન્દ્ર સરકારની પેનલમાં વકીલ હતા. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે ભાજપે તેમને લોકસભાના ઉમેદવાર બનાવ્યા ત્યારે તેમણે સાતમી માર્ચે પેનલમાંથી તેમનું નામ પાછું ખેંચી લીધું હતું. તેમને 15 માર્ચે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઈ હતી.

નવા ઓર્ડરમાં બાંસુરી સ્વરાજનું નામ રહેશે નહીં

આ ઉપરાંત સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે કોર્ટમાં જૂના વકીલોના નામ ચાલી રહ્યા હતા. આ કારણે તેમનું નામ વકીલોની યાદીમાં રાખવામાં આવ્યું છે. જો કે હવે કેન્દ્ર સરકારના વકીલો દ્વારા કોર્ટમાં માહિતી આપવામાં આવી છે અને કોર્ટના આદેશમાં પણ સુધારણા કરવામાં આવી રહી છે ત્યારે અપલોડ કરવાના નવા ઓર્ડરમાં બાંસુરી સ્વરાજનું નામ રહેશે નહીં. તપાસ એજન્સી વતી સંજય સિંહની અરજી પર સુનાવણી દરમિયાન પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ હાજર થયા ન હતા.

ઈડીના વકીલોમાં કોનું નામ સામેલ

સૌરભ ભારદ્વાજ દ્વારા શેર કરાયેલી યાદીમાં ઈડીના વકીલ તરીકે બાંસુરી સ્વરાજની સાથે સૂર્યપ્રકાશ વી રાજૂ, મુકેહ કુમાર મારોરિયા, ઝોહેબ હસન, અન્નમ વેંકટેશ, કનુ અગ્રવાલ અને અર્કજ કુમારના નામ સામેલ હતા. આમ આદમી પાર્ટી લાંબા સમયથી તપાસ એજન્સી પર આરોપ લગાવી રહી છે કે તે સરકાર માટે કામ કરી રહી છે. આવી સ્થિતિમાં યાદીમાં બાંસુરીનું નામ જોયા બાદ નવો વિવાદ ઉભો થયો છે.

Article Content Image

Gujarat