Get The App

27 જાન્યુઆરીએ દેશભરમાં બેન્ક યુનિયનોની હડતાળ, જાણો કઈ કઇ બેન્કનું કામકાજ પડી શકે ઠપ

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
27 જાન્યુઆરીએ દેશભરમાં બેન્ક યુનિયનોની હડતાળ, જાણો કઈ કઇ બેન્કનું કામકાજ પડી શકે ઠપ 1 - image


Bank Strike: જો તમે 27 જાન્યુઆરીએ કોઈ કામ માટે બેંક જવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણી લો કે તમારી બેંક મંગળવારે ચાલુ છે કે બંધ? કારણ કે બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવ્યું છે. જેથી 27 જાન્યુઆરી 2026ને મંગળવારે  દેશભરમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે. છેલ્લા ત્રણ દિવસ 24,25,26 જાન્યુઆરી બેન્કમાં સત્તાવાર રજા હતી ત્યારે વધુ એક દિવસ 27 જાન્યુઆરીએ બેન્કનું કામકાજ ઠપ રહે તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ છે.

કઈ કઈ બેન્કના કામકાજ પર પડશે અસર?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓએ પહેલાથી જ ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. અને ચેતવણી આપી છે જો માગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશે. 

અનેક કાર્યો પ્રભાવિત થશે

જેથી મંગળવારે 27 જાન્યુઆરી બેન્ક જતાં પહેલા ખરાઈ કરી લેજો કે બેન્કનું કામકાજ ચાલુ છે કે સંભવિત હડતાળના કારણે બંધ? ત્રણ દિવસથી સત્તાવાર રજાઓને કારણે બૅન્કનું કામ રોકાયેલું છે તેવામાં વધુ એક દિવસ વિરોધના ભાગરૂપે જો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે તો કેશ, ચેક ક્લીયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક, લોન સંબંધિત સહિત અનેક કાર્યો પ્રભાવિત થઈ શકે છે. 

શું છે બૅન્ક કર્મચારી યુનિયનની માંગ?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર 27 જાન્યુઆરી 2026એ સંભવિત બૅન્ક હડતાળના નિર્ણયનું મુખ્ય કારણ સપ્તાહમાં 5 દિવસ જ કામકાજ બે દિવસ રજા(ફાઇવ ડે વર્કિંગ)નો નિયમ લાગુ કરવાનું છે.  UFBUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ બૅન્ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન(IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) વચ્ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ દુભાગ્યપૂર્ણ છે કે સરકારે વાસ્તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી. 

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી

બૅન્ક યુનિયનોનું કહેવું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો, RBI, LIC, શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે. બૅન્ક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ હડતાળનું આહ્વાન 'યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ' (UFBU) દ્વારા કરાયું છે. જો કે, આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે.

બે રવિવાર અને બે શનિવારની રજા હવે કર્મચારીઓ માટે અપૂરતી

બેન્ક કર્મચારીઓને વર્ષ 2013થી દર મહિનાના ચાર રવિવાર ઉપરાંત બે શનિવારની રજા આપવામાં આવે છે. જોકે, હવે મહિનાના તમામ શનિવારોએ રજા જાહેર કરવાની લાંબા સમયની માંગણી પર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સરકારના આ ઉદાસીન વલણને કારણે બેન્ક કર્મચારીઓ અને તેમના વિવિધ એસોસિયેશનોમાં નારાજગી સતત વધી રહી છે.

9 બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે UFBU

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ ભારતના 9 પ્રમુખ બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બૅન્ક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) નો સમાવેશ થાય છે.