For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેન્ક ઓફ બરોડામાં આજથી રૂપિયા જમા કરાવવા-ઉપાડ પર ચાર્જ વસૂલાશે

- દેશમાં આજથી એલપીજી બૂકિંગ, રેલવેમાં નિયમો બદલાશે

- બચત ખાતામાં મહિનામાં ચોથી વખત જમા કરાવતા રૂ. 40, ઉપાડ પર રૂ. 100નો ચાર્જ વસૂલાશે, અન્ય બેન્કોની પણ વિચારણા

Updated: Oct 31st, 2020

Article Content Image

નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર, 2020, શનિવાર

દેશમાં 1લી નવેમ્બરથી એલપીજી બૂકિંગ અને ડિલિવરી તેમજ બેન્કિંગ સંબંિધત અનેક નિયમોમાં ફેરફાર થવાના છે. હવેથી એક તરફ એલપીજી ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરીની પદ્ધતિ બદલાઈ જશે તો બીજીબાજુ રેલવેની ટ્રેનોનું ટાઈમ ટેબલ બદલાઈ રહ્યું છે.

વધુમાં બેન્કિંગના કેટલાક નિયમો પણ બદલાઈ રહ્યા છે. બેન્ક ઓફ બરોડામાં 1લી નવેમ્બરથી તેનો અમલ શરૂ થશે જ્યારે બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, એક્સિસ અને સેન્ટ્રલ બેન્ક ટૂંક સમયમાં આ અંગે નિર્ણય કરશે.

બેન્કોમાં હવે રૂપિયા જમા કરાવવા અને ઉપાડવાની મફત સેવા ખતમ થઈ રહી છે. આ દિશામાં બેન્ક ઓફ બરોડાએ પહેલું પગલું લીધું છે. બેન્ક ઓફ બરોડામાં 1લી નવેમ્બરથી પોતાના રૂપિયા જમા કરવા અને ઉપાડવા પર ગ્રાહકોએ ચાર્જ ભરવો પડશે. હવે એક મહિનામાં પોતાના ખાતમાં ત્રણથી વધુ જમા અને ઉપાડ પર ચાર્જ વસૂલવામાં આવશે.

સેવિંગ્સ એકાઉન્ટધારકો માટે એક મહિનામાં ત્રણ વખત રૂપિયા જમા કરાવવા નિ:શુલ્ક છે. તમે એક મહિનામાં ચોથી વખત બેન્કમાં રૂપિયા જમા કરાવવા જશો તો રૂ. 40નો ચાર્જ ચૂકવવો પડશે જ્યારે ખાતામાંથી ત્રણ વખત રૂપિયા ઊપાડવા નિ:શુલ્ક છે. ચોથી વખત રૂપિયા ઉપાડવા પર ગ્રાહકોએ દરેક વખતે રૂ. 100નો ચાર્જ ચૂકવવો પડશે.

એ જ રીતે કેશ ક્રેડિટ, ચાલુ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતામાં ગ્રાહક દૈનિક એક લાખ રૂપિયા જમા કરાવે તો તેના માટે આ સુવિધા નિ:શુલ્ક રહેશે. પરંતુ એક લાખ રૂપિયાથી વધુની રકમ માટે ગ્રાહકે ચાર્જ ચૂકવવો પડશે.

આવા ખાતાધારકોને એક લાખથી વધુ રૂપિયા જમા કરાવવા પર પ્રત્યેક 1,000 રૂપિયાએ એક રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. તેના માટે લઘુત્તમ અને મહત્તમ મર્યાદા અનુક્રમે રૂ. 50 અને રૂ. 20 હજાર છે. સીસી, ચાલુ અને ઓવર ડ્રાફ્ટ ખાતામાંથી એક મહિનામાં ત્રણ વખત નાણાં ઉપાડવા પર કોઈ ચાર્જ લાગુ નહીં થાય. પરંતુ પછી પ્રત્યેક ઉપાડ પર રૂ. 150નો ચાર્જ ભરવો પડશે.

વધુમાં આરબીઆઈના નિયમ મુજબ 1લી નવેમ્બરથી 50 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ડિજિટલ પેમેન્ટ લેવું ફરજિયાત થશે. ગ્રાહકો આૃથવા વેપારીઓ પાસેથી ડિજિટલ પેમેન્ટ માટે કોઈ ચાર્જ આૃથવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ વસૂલાશે નહીં. જોકે, આ નિયમ માત્ર 50 કરોડથી વધુના ટર્નઓવર પર જ લાગુ પડશે.

દેશમાં 1લી નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરીની પદ્ધતિ બદલાઈ રહી છે. હવે ગેસ બૂકિંગ કરાવ્યા પછી ગ્રાહકોને મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. ડિલિવરી માટે વેન્ડર ઘરે પહોંચે ત્યારે તેને આ ઓટીપી નંબર આપવાનો રહેશે.

ત્યાર પછી જ ગ્રાહકોને સિલિન્ડરની ડિલિવરી કરાશે. વધુમાં 1લી નવેમ્બરે એલપીજી ગેસના નવા ભાવ જાહેર થવાની સંભાવના છે. ઑક્ટોબર મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયા નહોતા. જોકે, કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થયો હતો.

ભારતીય રેલવે 1લી નવેમ્બરથી સમગ્ર દેશની ટ્રેનોના ટાઈમ ટેબલ બદલી રહી છે. અગાઉ ટ્રેનોનું ટાઈમ ટેબલ 1લી ઑક્ટોબરથી બદલાવાનું હતું. જોકે, આ કામગીરીને એક મહિનો પાછી ઠેલવામાં આવી હતી. કોરોનાકાળમાં હાલ સામાન્ય ટ્રેનોની સુવિધા બંધ છે અને વિશેષ ટ્રેનો જ દોડાવાઈ રહી છે.

Gujarat